Last Updated on by Sampurna Samachar
બિહાર મુખ્યમંત્રી નીતીશ કુમારને પોતાના લાડલા ગણાવતાં PM
NDA સરકારે ખેડૂતોની વિકટ પરિસ્થિતિને બદલી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના ભાગલપુરમાં પહોંચ્યા હતા. અહીં તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૧૯મો હપ્તો જારી કર્યો અને વિભિન્ન વિકાસ યોજનાઓનું ઉદ્ધાટન કર્યું હતું. આ દરમિયાન PM મોદીએ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પોતાના લાડલા ગણાવ્યા હતા. એટલું જ નહીં પ્રયાગરાજ મહાકુંભ (MAHAKUMBH) ને લઈને PM મોદીએ લાલુ પ્રસાદ યાદવ પર પણ નિશાન સાધ્યું હતું.

વડાપ્રધાન મોદીએ મહાકુંભ મહોત્સવ અંગે કહ્યું કે, મહાકુંભ ચાલી રહ્યો છે પરંતુ જંગલ રાજના આ લોકો મહાકુંભને ગાળો આપી રહ્યા છે, રામ મંદિરથી ચિડાતા લોકો મહાકુંભને કોસવાનો એક મોકો નથી છોડી રહ્યા. મહાકુંભને કોસનારાને બિહાર ક્યારેય માફ નહીં કરે. વાસ્તવમાં થોડા દિવસો પહેલા લાલુ યાદવે મહાકુંભ અંગે કહ્યું હતું કે, કુંભનો શું અર્થ છે, કુંભ તો ફાલતૂ છે.

PM મોદીએ વધુમાં કહ્યું કે, મહાકુંભ દરમિયાન મંદરાચલની આ ભૂમિ પર આવવું એ સૌભાગ્યની વાત છે. આ ધરતીમાં આસ્થા પણ છે અને વારસો પણ છે તથા વિકસિત ભારતનું સામર્થ્ય પણ છે. આ શહીદ તિલકા માંઝીની ધરતી છે. આ સિલ્ક સિટી પણ છે. આ સમયે બાબા અજયબીનાથની આ પવિત્ર ધરતીમાં મહાશિવરાત્રીની પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આવા પવિત્ર સમયમાં મને દેશના કરોડો ખેડૂતોને PM કિસાન નિધિનો બીજો હપ્તો મોકલવાનું સૌભાગ્ય મળ્યું છે.
‘મેં લાલ કિલ્લાને કહ્યું છે કે, વિકસિત ભારતના ૪ મજબૂત સ્તંભ છે. આ સ્તંભ ગરીબ, ખેડૂત, મહિલા અને જવાન છે. NDA સરકાર ભલે કેન્દ્રમાં હોય કે રાજ્યમાં ખેડૂત કલ્યાણ અમારી પ્રાથમિકતા છે.
આ વચ્ચે લાલુ યાદવ પર નિશાન સાધતા PM મોદી બોલ્યા કે, પહેલા ખેડૂતો સંકટથી ઘેરાયેલા હતા. જે લોકો પશુઓનો ચારો ખાઈ શકે છે તેઓ આ પરિસ્થિતિઓને ક્યારેય બદલી ન શકે. NDA સરકારે આ સ્થિતિને બદલી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી અમે ખેડૂતોને સેંકડો આધુનિક જાતોના બિયારણ પૂરા પાડ્યા છે. પહેલા ખેડૂતોને યુરિયા માટે માર ખાવો પડતો હતો અને યુરિયાનું કાળાબજાર થતું હતું. આજે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે છે. તેમજ અમે કોરોના મહામારી દરમિયાન પણ ખેડૂતોને ખાતરની અછત ન પડવા દીધી. જો NDA સરકાર ન હોત તો શું થયું હોત? જો NDA સરકાર ન હોત તો આજે પણ ખેડૂતોને ખાતર માટે લાઠી ખાવી પડતી હોત અને ખેડૂતોને ૩,૦૦૦ રૂપિયામાં યુરિયાની થેલી મળી રહી હોત.