Last Updated on by Sampurna Samachar
ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાનુ નિવેદન
ઘટનાના કારણે વિશ્વભરમાં ભારતની છબી ખરડાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહિલા વર્લ્ડકપ માટે ભારત આવેલી ઑસ્ટ્રેલિયાની મહિલા ખેલાડીઓ સાથે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં છેડતીની શરમજનક ઘટના થઈ હતી. આ ઘટનાના કારણે વિશ્વભરમાં ભારતની છબી ખરડાઈ. જોકે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ મામલે પણ વિવાદિત નિવેદનો આપી રહ્યા છે.

ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશ સરકારના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ તો હવે પીડિતા ખેલાડીઓનો જ વાંક કાઢ્યો છે. તેમણે કહ્યું છે કે આમાં ખેલાડીઓની પણ ભૂલ છે. ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું, કે મહિલા ખેલાડીઓએ કોઈને જાણ કર્યા વિના ત્યાંથી ના જવાય, તેમણે કોચને પણ જાણ નહોતી કરી. આમાં તેમની પણ ભૂલ છે. તેમની પાસે ખાનગી તથા પોલીસની સુરક્ષા હતી. પણ મહિલા ખેલાડીઓ કોઈની નજરમાં આવ્યા વિના ત્યાંથી જતી રહી અને તે સમયે જ આ ઘટના થઈ. ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે પણ ખેલાડીઓએ આ ઘટનાથી શીખ લેવી જોઈએ.
અગાઉ ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માએ કરી હતી ટિપ્પણી
તેમણે વધુમાં કહ્યું, કે મને લાગે છે કે આપણે જ્યારે પણ બીજા દેશ કે શહેરમાં જઈએ ત્યારે પોતાની સુરક્ષાની ચિંતા પોતે પણ કરવી જ જોઈએ. ખેલાડીઓએ ધ્યાન રાખવું જોઈએ કે તે પોતાનું સ્થાન છોડે તો સૂચના આપે.
આટલું જ નહીં અગાઉ ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માએ પણ ટિપ્પણી કરતાં કહ્યું હતું, કે હું કટ્ટર મુસ્લિમોને પૂછવા માંગુ છું કે તમે દેશની છબી ખરાબ કરવાના કામમાં કેમ લાગ્યા છો ? કોરોના સમયે તમે ડોકટરો પર થૂંકતા હતા. આરોપી અકીલને ચાર જૂતાં મારી જેલમાં નાંખ્યો છે અને તેને કડક સજા આપીશું.
 
				 
								