Last Updated on by Sampurna Samachar
ઈઝરાયલમાં લગભગ ૪૦,૦૦૦ ભારતીય નાગરિકો
ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનથી ૧૭૧૩ નાગરિકો વતન પરત ફર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે ભારતના ઓપરેશન સિંધુ હેઠળ અત્યાર સુધીમાં કુલ ૧૭૧૩ ભારતીયોને ઈરાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ઈરાનના મશહદથી બીજું વિમાન ૨૮૫ નાગરિકોને લઈને નવી દિલ્હી પહોંચ્યું હતુ. અગાઉ ૨૧ મી જૂને ૬૦૦ ભારતીયો, ૨૦મી જૂને ૪૦૭ અને ૧૯ મી જૂને ૧૧૦ અને પછી ૩૧૧ ભારતીયો દિલ્હી પહોંચ્યા હતા.
કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ જણાવ્યું હતું કે, ઈરાનથી ૨૮૫ ભારતીય નાગરિકોને લઈને એક ખાસ વિમાન નવી દિલ્હી પહોંચ્યું છે. તે વિમાનમાં ૨૮૫ ભારતીય નાગરિકો સવાર હતા, જે મુખ્યત્ત્વે ૧૦ રાજ્યો બિહાર, જમ્મુ અને કાશ્મીર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના હતા. ઈરાનથી બહાર કાઢવામાં આવેલા ભારતીય નાગરિકોની કુલ સંખ્યા હવે ૧૭૧૩ પર પહોંચી ગઈ છે. અમે આગામી ૨ દિવસ માટે ઈરાનથી ૨-૩ વધુ ફ્લાઇટ્સનું આયોજન કર્યું છે. આ ઉપરાંત ઈરાન અને ઈઝરાયલમાં રહેતા અમારા તમામ ભારતીય નાગરિકો સાથે પણ સતત સંપર્કમાં છીએ.
ભારત સરકાર અને દૂતાવાસે સારી મદદ કરી
ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનથી સુરક્ષિત રીતે ભારત પરત ફરેલી ભારતીય નાગરિક શમા ફિરોઝે કહ્યું, મને ખૂબ ગર્વ છે. ભારત સરકાર અને દૂતાવાસે અમારા માટે ખૂબ સારી વ્યવસ્થા કરી. ઈરાનમાં પણ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારત સરકાર અમને અહીં લાવી. જય હિંદ જય ભારત.
ઈરાનથી બહાર કાઢવામાં આવેલા ભારતીય નાગરિક સૈયદ શહઝાદ અલી જાફરી કહે છે, હું મુંબઈનો છું, હું તીર્થયાત્રા માટે ઈરાન ગયો હતો. હું ઈરાનમાં કામ કરું છું અને છેલ્લા ૩ વર્ષથી ત્યાં છું. ભારત સરકારે અમને ટેકો આપ્યો, હિંમત આપી, આજે અમે તેમના કારણે અહીં છીએ.
હકીકતમાં, ભારતે પોતાના લોકોને ઈરાનમાંથી બહાર કાઢવા માટે ઓપરેશન સિંધૂ શરૂ કર્યું છે. ભારતનું આ ઓપરેશન સિંધુ યુદ્ધગ્રસ્ત ઈરાન અને ઈઝરાયલમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવા માટેનું મહત્ત્વપૂર્ણ મિશન છે. નોંધનીય છે કે, ઈઝરાયલમાં લગભગ ૪૦,૦૦૦ ભારતીય નાગરિકો છે, જેમાં કેરગિવર (સંભાળ રાખનારા), વિદ્યાર્થીઓ અને શ્રમિકોનો સમાવેશ થાય છે.