Last Updated on by Sampurna Samachar
T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઇનલ મેચ અમદાવાદના સ્ટેડિયમમાં રમાશે
BCCI એ પસંદ કર્યા મુખ્ય પાંચ યજમાન શહેરો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઇનલ મેચનું આયોજન કરવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પસંદગી કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ટૂંક સમયમાં આ મેગા ટુર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યુલની સત્તાવાર જાહેરાત કરી શકે છે.

રિપોર્ટ અનુસાર, ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાનારા આ T20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મેચોનું આયોજન કરવા માટે મુખ્ય શહેરોને શોર્ટલિસ્ટ કર્યા છે. અમદાવાદ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈ સમાવેશ થાય છે.
ICC દ્વારા ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત
નોંધનીય છે કે, ૨૦૨૩ ODI વર્લ્ડ કપની તુલનામાં આ વખતે ઓછા શહેરોમાં મેચો યોજાશે. સરળ ઇવેન્ટ સુનિશ્ચિત કરવા માટે દરેક પસંદગીના સ્થળે ઓછામાં ઓછી છ મેચોનું આયોજન કરવાની યોજના છે. આ ટુર્નામેન્ટ ભારત અને શ્રીલંકા દ્વારા સહ-આયોજિત કરવામાં આવશે. શ્રીલંકામાં પણ મેચો યોજાશે, જોકે ત્યાંના ત્રણ સ્થળોને હજુ અંતિમ ઓપ આપવાનો બાકી છે.
ખાસ કરીને, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે અગાઉ થયેલા કરાર મુજબ, પાકિસ્તાન સામેની મેચો શ્રીલંકામાં રમાશે. સૂત્રોના જણાવ્યાનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચેની લીગ મેચ કોલંબોમાં યોજાવાની સંભાવના છે.
જો પાકિસ્તાન સેમી ફાઇનલ કે ફાઇનલમાં પહોંચશે, તો તેમની નોકઆઉટ મેચો માટે પણ તટસ્થ સ્થળ માંગવામાં આવી શકે છે. ક્રિકેટ ચાહકો હવે ICC દ્વારા ટૂંક સમયમાં થનારી સત્તાવાર જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.