Last Updated on by Sampurna Samachar
ઉમરેઠ પોલીસે કારમાં લવાતો દારૂ-બીયર જથ્થો ઝડપી લીધા
ફિલ્મી ઢબે પીછો કરીને પોલીસે અર્ટિગા કાર અને પાયલોટિંગ કરી રહેલા બાઈક સાથે કુલ ૧૦.૭૯ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
આણંદ જિલ્લાની ઉમરેઠ પોલીસે બાતમીના આધારે એક મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ફિલ્મી ઢબે પીછો કરીને પોલીસે અર્ટિગા કાર અને પાયલોટિંગ કરી રહેલા બાઈક સાથે કુલ ૧૦.૭૯ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ઉમરેઠ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક અર્ટિગા કારમાં વિદેશી દારૂનો જથ્થો પસાર થવાનો છે.

બાતમીવાળા સ્થળે પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસને જોઈને અર્ટિગા કારના ચાલકે ગાડી ભગાવી હતી, પરંતુ પોલીસે તેનો પીછો કરતા ચાલક કાર મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. જો કે, આ કારનું પાયલોટિંગ કરી રહેલા હોન્ડા સાઈન બાઈકને પોલીસે કોર્ડન કરી લીધું હતું અને તેના પર સવાર બે શખ્સોને દબોચી લીધા હતા.
તલાશી દરમિયાન પોલીસને વાહનોમાંથી બીયર ૯૮૧ નંગ, એક અર્ટિગા કાર અને એક હોન્ડા સાઈન બાઈક, ૩ મોબાઈલ ફોન અને રોકડ રકમ સહીત કુલ મુદ્દામાલ ૧૦,૭૯,૧૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉમરેઠ પોલીસે ઝડપાયેલા બે શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.