Last Updated on by Sampurna Samachar
વિમાન જમીન પર પડવાની સાથે જોરદાર ધમાકો થયો
હજારો દર્શક વિમાનના કરબત જોઈ રહ્યાં હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુબઈ એર શો દરમિયાન એવી તસવીર સામે આવી છે, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ભારતનું સ્વદેશી હળવું લડાકૂ વિમાન LCA તેસ પોતાની ડેમોન્સ્ટ્રેશન ફ્લાઇટ દરમિયાન અચાનક ક્રેશ થયું છે. આ ઘટના બપોરે ૨.૧૦ કલાકે બની છે, જ્યારે હજારો દર્શક વિમાનના કરબત જોઈ રહ્યાં હતા. આ દુર્ઘટનામાં પાયલટનું મોત થયું છે.

વિમાન હવામાં શાનદાર વળાંક લઈ રહ્યું હતું, ત્યારે અચાનક તેણે નિયંત્રણ ગુમાવી દીધું હતું. થોડી સેકેન્ડમાં તેજસ હવામાંથી જમીન તરફ આવવા લાગ્યું. વિમાન જમીન પર પડવાની સાથે જોરદાર ધમાકો થયો અને અલ મકતૂમ ઈન્ટરનેશનલ એરપોર્ટની ઉપર ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ભારતીય વાયુસેનાએ જણાવ્યું કે દુબઈ એર શોમાં એક હવાઈ પ્રદર્શન દરમિયાન IAF નું તેજસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. આ દુર્ઘટનામાં પાયલટનું નિધન થયું છે, જે દુખદ છે.
ભારતીય સંરક્ષણ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું
દુબઈ એર શો વિશ્વના અગ્રણી ઉડ્ડયન કાર્યક્રમોમાંનો એક છે, જ્યાં વિશ્વભરની એરલાઇન્સ અને લશ્કરી ઉત્પાદકો તેમની ટેકનોલોજીનું પ્રદર્શન કરે છે. આ અકસ્માતે એર શોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. તાત્કાલિક ઘટનાસ્થળે કટોકટી ટીમો તૈનાત કરવામાં આવી હતી, અને ઉડ્ડયન અધિકારીઓએ તપાસ શરૂ કરી છે.
ભારતીય વાયુસેનાનું તેજસ વિમાન એક એવું ફાઇટર વિમાન છે, જે સંપૂર્ણ ભારતમાં બનીને તૈયાર થયું છે. તેને હળવું અને ઝડપી બનાવવામાં આવ્યું છે, જેથી હવામાં વધુ ફુર્તી સાથે ઉડી શકે અને સાથે ઘણા પ્રકારના યુદ્ધમાં કામ કરી શકે.
તેને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે HAL એ વિકસિત કર્યું છે. તે ૪.૫ પેઢીનું વિમાન છે, એટલે કે તેમાં ઘણી નવી તકનીક લાગી છે. તેજસ નાનું અને હળવું છે, જેને સુપરસોનિક એટલે કે ધ્વનિની ગતિથી ઝડપી ઉડાન ભરનાર કહેવામાં આવે છે.
દુબઈ એર શોમાં ભારતે અનેક ફાઇટર જેટ પણ પ્રદર્શિત કર્યા હતા, જેમાંથી એક તેજસ ફાઇટર જેટ હતું. આ અકસ્માતે તેજસ ફાઇટર જેટ માટેની ભારતની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. કારણ કે ભારત પણ આ ફાઇટર જેટની નિકાસ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે ભારતીય સંરક્ષણ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું.
ઘટનાસ્થળે હાજર લોકોએ અહેવાલ આપ્યો હતો કે તેજસ ફાઇટર જેટ ક્રેશ થતાં પહેલાં લગભગ એક માઇલ દૂર સુધી નીચે ઉતરતું જોવા મળ્યું હતું. આ અકસ્માતની તપાસની રાહ જોવાઈ રહી છે, અને તે પછી જ અકસ્માતનું વાસ્તવિક કારણ સામે આવશે.