Last Updated on by Sampurna Samachar
રખડતા ભૂંડ દ્વારા મહિલા પર જીવલેણ હુમલો
કોર્પોરેશન દ્વારા યોગ્ય પગલાં લેવાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા શહેરમાં રખડતા કુતરાના ત્રાસની સાથે સાથે હવે ભૂંડોનો ત્રાસ પણ ખૂબ વધી ગયો છે. ત્યારે માંજલપુર વિસ્તારમાં રખડતા ભૂંડે એક મહિલા પર હુમલો કરી ઘાયલ કરી દીધી હતી. જેને બચાવવા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા. ઘવાયેલી મહિલાને ૧૦૮ ની મદદથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
વડોદરા શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે માંજલપુર વિસ્તારમાં એક મહિલાને ભૂંડે હુમલો કરી સખત રીતે ઘાયલ કરી દીધા હતા. માંજલપુર વિસ્તારમાં ઘરકામ કરતા કામવાળી બાઈ કુસુમબેન પટેલ સમાજ ગરબા ગ્રાઉન્ડ પાસે આવેલી ગજાનંદ સોસાયટીમાંથી કામ કરીને ઘર બહાર નીકળ્યા હતા. ત્યારે નજીકના કોમન પ્લોટ પાસેથી પસાર થતાં હતા ત્યારે અચાનક એક ભૂંડ દોડી આવી તેમની પર જીવલેણ હુમલો કર્યો હતો.
મહિલાને સારવાર હેઠળ ખસેડાઇ
મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુના મકાનમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને ભૂંડને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. અચાનક થયેલા ભૂંડના હુમલાને કારણે લોકો ભયભીત થઈ ગયા હતા લોકોએ ભૂંડને પથ્થરો મારી ભગાડ્યો હતો. ભૂંડના હુમલાથી મહિલાને શરીર પર પાંચ થી છ બચકા ભરી લીધા હતા. જેથી તેઓની હાલત ગંભીર થઈ ગઈ હતી. સ્થાનિક રહીશોએ તાત્કાલિક ૧૦૮ નો સંપર્ક કરી બોલાવી ઘાયલ થયેલી મહિલા કુસુમબેનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
ભૂંડ ઉછેર કરનારા સરદારજીઓ આકાશવાણીની પાછળ ચિત્રકૂટ ચાર રસ્તા પાસે ત્રણ માળીયા વિસ્તારની ખુલ્લી જમીનમાં રહે છે. તેઓને કોર્પોરેશન દ્વારા ત્રણ ત્રણ વખત હટાવી દેવામાં આવ્યા છતાં પણ ફરી ત્યાં દબાણ કરીને ભૂંડ ઉછેર કરી માંજલપુર મકરપુરા વિસ્તારમાં છોડી દેવામાં આવે છે જેથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે પાલિકા દ્વારા ભૂંડને પકડવાની કામગીરી શરુ કરાઇ હતી.