Last Updated on by Sampurna Samachar
ગિરનાર, ભવનાથ અને વિલિંગ્ડન ડેમ જુનાગઢવાસીઓનુ ફેવરિટ પ્લેસ
છેલ્લા એક મહિનામાં ૩૪ ઇંચ વરસાદથી કુદરતનો આહ્લાદર નજારો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સોરઠ પંથકમાં છેલ્લા મહિનાથી સારો એવો વરસાદ પડી રહ્યો છે. ગિરનાર જંગલ વિસ્તારમાં વરસાદને કારણે કુદરતનો અનોખો નજારો સર્જાયો છે. વરસાદને લીધે ચારે બાજુ લીલોતરી જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનામાં ગિરનાર પર્વત પર ૩૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેના કારણે લીલોતરી છવાઈ ઊઠી છે. જાણે ગિરનાર પર્વતે લીલી ચાદર ઓઢી હોય તેવા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. ગિરનાર અને દાતાર પર્વત પર પડેલા ભારે વરસાદથી તમામ નદી નાળાઓ છલકાયા છે.
દાતાર પર્વત પર ધોધમાર વરસાદને કારણે પહાડો પરથી પાણીના ધોધ વહેતાં થયા હતા. ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે ફરીથી ઝરણાઓ જંગલની પહાડીઓમાં શરૂ થયા છે. સાથે વરસાદનો નયનરમ્ય નજારો પણ જોવા મળ્યો છે જે હિલ સ્ટેશન જેવો દેખાય છે. જૂનાગઢ શહેરની જનતા માટે ચોમાસામાં પ્રિય એવી જગ્યા એટલે ગિરનાર, ભવનાથ અને વિલિંગ્ડન ડેમ. ચોમાસાની ઋતુમાં વિલિંગ્ડન ડેમ સતત ઓવર ફ્લો થઈ રહ્યો છે જેના કારણે લોકો આ કુદરતી નજારો જોવા ઊમટી પડ્યા છે.
પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદ છવાયો
કુદરતના ખોળે જાણે લોકો આવી પહોંચ્યા હોય તેવો પણ આનંદ લોકોને થઈ રહ્યો છે. ત્યારે ડેમના આહ્લાદક કુદરતી દૃશ્યો જોવા મળ્યાં હતાં. આ નજારો જોવા આસપાસથી મોટી સંખ્યામાં લોકો ડેમ સાઈટ પર ઊમટી પડ્યા હતા.
ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે રોપવે સેવા છેલ્લા ઘણા દિવસોથી બંધ છે પરંતુ પ્રકૃતિ પ્રેમીઓ પગપાળા સીડીઓ ચડી અને પ્રકૃતિનો આનંદ માણવા પહોંચી રહ્યા છે. એક બાજુ વાદળો ગિરનાર પર્વતથી વાતો કરતા હોય તેવા આહ્લાદક દ્રશ્યો નજરે જોનારા પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદ છવાઈ જાય છે.