Last Updated on by Sampurna Samachar
દસ્તાવેજ વિના રહેતો હતો અમેરિકા
મહેસાણાના યુવકની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા નિવાસી ૪૦ વર્ષીય એક વ્યક્તિ જેણે ગેરકાયદે ડોન્કી રૂટ દ્વારા અમેરિકામાં પ્રવેશ કર્યો હતો અને વર્ષો સુધી કોઈપણ દસ્તાવેજ વિના ત્યાં રહેતો હતો. હવે આ વ્યક્તિને નકલી પાસપોર્ટ દ્વારા ભારત પરત ફરવાના પ્રયાસ દરમિયાન દિલ્હીના એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, મૂળ જગુદાન ગામનો રહેવાસી આ વ્યક્તિ પહેલીવાર ૨૦૧૮માં કાયદાકીય રીતે વિયેતનામ ગયો હતો અને એટલાન્ટા પહોંચતા પહેલાં ૧૫ મહિના ગેરકાયદે રસ્તાઓ પર ફરતો હતો. ત્યાં તે કોઈપણ દસ્તાવેજ વિના રહેતો અને નાનું-મોટું કામ પણ કરતો હતો.
એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ પાસપોર્ટ તપાસ્યો
જોકે, બાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે બીજીવાર પ્રમુખ બન્યા અને ગેરકાયદે પ્રવાસીઓને ડિપોર્ટ કરવાનું અભિયાન શરૂ કર્યું તો કાર્યવાહીના ડરથી તેણે પોતાની વાપસીની સુવિધા માટે ૨૦૨૦માં હિમાચલ પ્રદેશ નિવાસીના નામે નકલી પાસપોર્ટ બનાવડાવ્યો હતો.
જોકે, ૮ સપ્ટેમ્બરે જ્યારે તે પરત ફરતો હતો ત્યારે એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ પાસપોર્ટ તપાસ્યો. ત્યારે જાણ થઈ કે, પાસપોર્ટ નકલી છે અને તેની ધરપકડ કરી દેવામાં આવી. હાલ આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૪), ૩૩૬(૩) અને ૩૪૦(૨) અને પાસપોર્ટ એક્ટની કલમ ૧૨ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.