Last Updated on by Sampurna Samachar
દશાડાના વિવાદીત PI વાય.જી.ઉપાધ્યાયની બદલી
ગેનીબેન ઠાકોરે જાહેરમાં PI ઉપાધ્યાયની તાત્કાલિક બદલી કરવાની માંગ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા તાલુકામાં વિવાદોમાં ઘેરાયેલા PI વાય.જી. ઉપાધ્યાયની અંતે બદલી કરવામાં આવી છે. તેમને દશાડાથી સાયલા ખાતે બદલી કરાતા વિસ્તારમાં લાંબા સમયથી ચાલતો વિવાદ શમ્યો છે.ઉલ્લેખનીય છે કે દશાડાના વાલેવડા ગામે દારૂની બાતમીના આધારે કરવામાં આવેલી રેડ દરમિયાન PI ઉપાધ્યાય દ્વારા ગ્રામજનો સાથે ગેરવર્તન કરાયું હોવાના આરોપો લાગ્યા હતા.

આ ઘટના પછી ગ્રામજનો સામે ફરજમાં રૂકાવટનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો, જેને કારણે ભારે અસંતોષ ફેલાયો હતો.આ સમગ્ર મામલે ઠાકોર સમાજ દ્વારા વિવાદિત PIની તાત્કાલિક બદલીની માંગ ઉઠાવવામાં આવી હતી.
બદલી થતાં સામાજિક અને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ
બે દિવસ અગાઉ યોજાયેલા ઠાકોર સમાજના સંમેલનમાં ગેનીબેન ઠાકોરે જાહેરમાં PI ઉપાધ્યાયની તાત્કાલિક બદલી કરવાની માંગ કરી હતી.સંમેલનના માત્ર બે દિવસમાં જ PI વાય.જી. ઉપાધ્યાયની દશાડાથી સાયલા બદલી કરવામાં આવતા સામાજિક અને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. સાથે જ, ગ્રામજનો પર કરવામાં આવેલ ફરજમાં રૂકાવટનો કેસ પણ પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે..