Last Updated on by Sampurna Samachar
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર, રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી
કાચા માલના ભાવમાં ૨૦% થી ૬૦% નો જંગી ઉછાળો આવતા પેરાસીટામોલ સહિતની દવાઓની અછત સર્જાવાની ભીતિ.
(સંપૂર્ણ સમાચાર સેવા)
મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ભારતના ફાર્માસ્યુટિકલ સેક્ટર પર પણ પડવા લાગી છે. કાચા માલની અછતને કારણે બજારમાં પેરાસીટામોલ અને ડાયાબિટીસની સામાન્ય દવાઓ મળવી મુશ્કેલ બની શકે છે અને તેના ભાવ પણ વધી શકે છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા ફેડરેશન ઓફ ફાર્મા એન્ટરપ્રેન્યોર્સે કેન્દ્ર સરકારને એક ઈમરજન્સી પત્ર લખીને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.

જોકે, આ કટોકટી વચ્ચે એક મોટી રાહતના સમાચાર એ પણ છે કે યુદ્ધગ્રસ્ત હોર્મુઝ સ્ટ્રેટમાંથી બે મોટા ભારતીય જહાજો લાખો સિલિન્ડર જેટલો ગેસ લઈને ગુજરાતના બંદરો પર બિલકુલ સુરક્ષિત રીતે પરત ફર્યા છે. ચાલો આ આખી પરિસ્થિતિને વિગતવાર સમજીએ.
બે યુદ્ધજહાજો પહેલેથી જ તૈનાત
ફેડરેશન ઓફ ફાર્મા એન્ટરપ્રેન્યોર્સે કેન્દ્ર સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માટે એક કટોકટીનો રિપોર્ટ મોકલ્યો છે. તેમણે સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો જલ્દી કોઈ રસ્તો નહીં કાઢવામાં આવે, તો દેશમાં જીવનજરૂરી દવાઓની ભારે અછત ઊભી થઈ જશે. રિપોર્ટ મુજબ, માત્ર ૮ થી ૯ દિવસની અંદર જ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રેડિએન્ટ્સ એટલે કે દવા બનાવવા માટેના મુખ્ય કાચા માલના ભાવમાં ૨૦% થી લઈને ૬૦% જેટલો જંગી ઉછાળો આવી ગયો છે.
આ યુદ્ધની સૌથી માઠી અસર એવી દવાઓ પર પડી રહી છે જેનો વપરાશ આપણા રોજિંદા જીવનમાં સૌથી વધુ થાય છે. તાવ માટેની પેરાસીટામોલ, ચેપ માટે વપરાતી એમોક્સિસિલિન, ડાયાબિટીસ માટેની મેટફોર્મિન અને એઝિથ્રોમાસીન જેવી સામાન્ય દવાઓનું ઉત્પાદન ખોરવાઈ રહ્યું છે. ફાર્મા એસોસિએશનનું કહેવું છે કે, લાખો દર્દીઓ તાવ, ડાયાબિટીસ અને શ્વાસ સંબંધિત બીમારીઓ માટે દરરોજ આ દવાઓ લેતા હોય છે. આ ઉપરાંત, દવા બનાવવા માટે વપરાતા રસાયણોનો પુરવઠો પણ અનિયમિત થઈ ગયો છે.
મુશ્કેલી માત્ર કાચા માલ પૂરતી જ સીમિત નથી. દવાઓના પેકિંગમાં વપરાતા પીવીસી સંયોજનો, પ્લાસ્ટિકની બોટલો, આલુ-આલુ અને એલ્યુમિનિયમ ફોઇલ જેવા પેકેજિંગ મટિરિયલના ભાવમાં પણ અનેકગણો વધારો જાેવા મળી રહ્યો છે. FOPE ના જણાવ્યા અનુસાર, આ બમણા ભાવવધારાને કારણે ફાર્મા કંપનીઓ માટે હવે જૂના ભાવે દવાઓનું ઉત્પાદન કરવું નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે.
આ વૈશ્વિક કટોકટી વચ્ચે ભારત માટે એક બહુ મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. યુદ્ધગ્રસ્ત અને અત્યંત સંવેદનશીલ એવા હોર્મુઝ સ્ટ્રેટમાંથી બે ભારતીય જહાજાે સુરક્ષિત રીતે ગુજરાતના કાંઠે પરત ફર્યા છે.૧૭ માર્ચ, ૨૦૨૬ ભારતીય જહાજ ‘શિવાલિક‘ આશરે ૪૬,૦૦૦ મેટ્રિક ટન LPG લઈને મુન્દ્રા બંદર પર હેમખેમ પહોંચી ગયું હતું. આ ગેસ આશરે ૩.૨૪ મિલિયન ઘરેલુ ગેસ સિલિન્ડર ભરવા માટે પૂરતો છે.
આ ઉપરાંત, આજે વહેલી સવારે ૨:૩૦ વાગ્યે બીજું એક જહાજ ‘નંદા દેવી‘ પણ ૪૬,૫૦૦ મેટ્રિક ટન LPG સાથે ગુજરાતના વાડીનાર બંદર પર સુરક્ષિત પહોંચી ગયું છે.
આ જહાજોનું સુરક્ષિત પરત ફરવું એ ભારતની મજબૂત સુરક્ષા નીતિનું પરિણામ છે. અહેવાલો અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ જેવા ખતરનાક વિસ્તારમાં ભારતે પોતાના વેપારી જહાજોની સુરક્ષા માટે બે યુદ્ધજહાજો પહેલેથી જ તૈનાત કરી દીધા હતા. ભારતની આ મજબૂત તૈયારીને પગલે ઈરાને ભારતીય જહાજોને કોઈ જ નુકસાન પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે પસાર થવા દીધા હતા.