ટેન્કરમાંથી જથ્થો ઓછો નીકળતાં તોલ માપ વિભાગને ફરિયાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા જિલ્લાના સાવલી-ટીંબા રોડ પર આવેલા ભાદરવા ગામ નજીક આવેલા નાયરા પેટ્રોલ પંપ પર જામનગર થી આવેલા પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરોના સીલ સાથે છેડછાડ થઈ હોવાની આશંકાએ પેટ્રોલ પંપના ફરજ પરના અધિકારીએ સરકારી વિજ્ઞાન તોલમાં શાખાને કરેલી ફરિયાદ મુજબ તપાસ શરૂ કરાઇ છે. પેટ્રોલ પંપના ફરજ પરના અધિકારીએ જણાવ્યું હતું કે, અવારનવાર પેટ્રોલ ડીઝલનો જથ્થો ઓછો મળે છે પરંતુ આજે આ બાબતે તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જામનગર રિફાઇનરીમાંથી પેટ્રોલ-ડીઝલનો જથ્થો ટેન્કરો દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારમાં પેટ્રોલ પંપ ખાતે સપ્લાય કરવામાં આવે છે. તેવી જ રીતે ટેન્કરોમાં ભરાયેલો પેટ્રોલ ડીઝલનો જથ્થો વડોદરા નજીક સાવલી ટીંબા રોડ પર ભાદરવા ગામ પાસે આવેલા નાયરા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ ડીઝલનો જથ્થો ખાલી કરવા ટેન્કરોને લઈ ડ્રાઇવરો આવ્યા હતા. આ પેટ્રોલ પંપ પર અગાઉ કેટલી વાર પેટ્રોલ-ડીઝલનો જથ્થો ઓછો આવ્યો હોવાની ફરિયાદ પેટ્રોલ પંપના અધિકારીએ જણાવ્યું હતું.
જોકે હાલમાં આવેલા પેટ્રોલ-ડીઝલના ટેન્કરમાં માલ ઓછો હોવાની શક્યતાના કારણે ટેન્કર પર ચડીને પેટ્રોલ પંપ ના જવાબદાર અધિકારીએ તપાસ કરી હતી. તપાસ દરમિયાન ટેન્કર પર લગાવેલું સીલ નકલી હોવાની આશંકા તેમને જણાઈ હતી. સીલ જાેતા તેની સાથે ચેડાં થયા હોવાની પણ પેટ્રોલ પંપના અધિકારીને શક્યતા જણાઈ હતી પરિણામે તેમણે સરકારી ખાતાના વિજ્ઞાન માપ શાખાને તાબડતો ફરિયાદ કરી હતી. તપાસ સાથે આવેલા બે અધિકારીએ ટેન્કર પરના સીલની કરેલી તપાસમાં કાંઈક ગરબડ હોવાની આશંકાથી તપાસ શરૂ કરવામાં આવી છે. જામનગર આ બાબતે પૂછપરછ કરતા ટેન્કરો સીલ કરીને રવાના કરાઇ હોવાનું જણાવ્યું હતું. જોકે પેટ્રોલ પંપ ના અધિકારીએ વધુ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે અવારનવાર ૫૦૦-૬૦૦ લીટરનો જથ્થો ઓછો આવતો હોવાની શંકા ગઈ હતી પરંતુ ટેન્કરમાં જોતા પેટ્રોલ ડીઝલનો જથ્થો ઓછો જણાતા ફરિયાદ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.