Last Updated on by Sampurna Samachar
સોશિયલ મીડિયા પર ફરતી ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ
સરકારે ઇંધણની અછતનો કર્યો હતો ઇન્કાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
જૂનાગઢના અજાબ ગામે અચાનક પેટ્રોલ અને ડીઝલ ખૂટી જવાની અફવા ફેલાતા ગભરાટભર્યો માહોલ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા અને લોકમુખે વહેતી થયેલી પાયાવિહોણી વાતોને સાચી માનીને લોકો પોતાના વાહનો લઈને પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા હતા.

પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે પેટ્રોલ પંપ પર એક કિલોમીટર લાંબી વાહનોની લાઈન લાગી ગઈ હતી, જેમાં ખેડૂતો ટ્રેક્ટરો લઈને અને રિક્ષાચાલકો પોતાના વાહનોમાં ડીઝલ ભરાવવા માટે કલાકો સુધી રાહ જોતા નજરે પડ્યા હતા.
ભીડને લીધે ટ્રાફિકની સમસ્યા અને વ્યવસ્થા ખોરવાઇ
આ અફરાતફરી વચ્ચે સરકારે સત્તાવાર રીતે ઈંધણની અછત હોવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. પેટ્રોલિયમ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને સપ્લાય ચેઈનમાં કોઈ પણ પ્રકારનો અવરોધ નથી.
નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફરતી ખોટી અફવાઓથી દૂર રહે અને ગભરાટમાં આવીને ઇંધણનો બિનજરૂરી સંગ્રહ ન કરે, કારણ કે ઘરમાં ઇંધણનો સંગ્રહ કરવો સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. સ્થાનિક પેટ્રોલ પંપ માલિકોએ પણ ગ્રાહકોને શાંતિ જાળવવા અને જરૂરિયાત મુજબ જ ઇંધણ ખરીદવા ખાસ અપીલ કરી છે.
પંપ સંચાલકોના જણાવ્યા મુજબ, લોકોને જરૂરિયાત મુજબનું પેટ્રોલ-ડીઝલ હંમેશા મળતું રહેશે અને પુરવઠો નિયમિત છે. અફવાઓને કારણે સર્જાયેલી આ ભીડને લીધે ટ્રાફિકની સમસ્યા અને વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડી હતી. જેથી પોલીસ અને વહીવટી તંત્રએ સતર્ક બન્યું હતુ.