Last Updated on by Sampurna Samachar
CJI ગવઈએ તેમની વિનંતી સ્વીકારી લીધી
જમ્મુ-કાશ્મીરને ઝડપથી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો જોઈએ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે તેવી માંગને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. અરજીમાં વિનંતી કરવામાં આવી છે કે કોર્ટ કેન્દ્ર સરકારને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં રાજ્યનો દરજ્જો પુન:સ્થાપિત કરવાનો નિર્દેશ આપે.

એક અહેવાલ પ્રમાણે વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણને ચીફ જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ આ મામલો રજૂ કર્યો અને વિનંતી કરી કે આ કેસને ૮ ઓગસ્ટે સુનાવણી થનારા કેસોની યાદીમાંથી હટાવવામાં ન આવે, CJI ગવઈએ તેમની વિનંતી સ્વીકારી લીધી છે.
રાજ્યનો દરજ્જો પુન:સ્થાપિત કરવામાં કોઈ સમસ્યા નથી
વર્ષ ૨૦૨૩માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫ A હટાવવા સામે દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી અને કોર્ટે જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો સમાપ્ત કરવાના સરકારના ર્નિણયને યોગ્ય ઠેરવ્યો હતો. વર્ષ ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫છને હટાવીને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદાખમાં વિભાજિત કરી દેવામાં આવ્યુ હતું.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરને ઝડપથી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો જોઈએ. સરકારે પણ કોર્ટને ખાતરી આપી હતી કે, અમે આ મુદ્દે વિચાર કરીશું. પરંતુ અરજદારનું કહેવું છે કે, સરકાર દ્વારા હજુ સુધી તેના પર કોઈ ર્નિણય લેવામાં નથી આવ્યો અને તેમણે કોઈ પગલા નથી લીધા.
અરજદારો ઝહૂર અહેમદ ભટ અને ખુર્શીદ અહેમદ મલિક છે. ઝહૂર અહેમદ એક શિક્ષક છે, જ્યારે ખુર્શીદ અહેમદ મલિક એક સામાજિક કાર્યકર છે. તેમનું કહેવું છે કે, ‘સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હોવા છતાં, છેલ્લા ૧૧ મહિનામાં રાજ્યનો દરજ્જો પુન:સ્થાપિત કરવા માટે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. રાજ્યનો દરજ્જો પુન:સ્થાપિત ન કરવો એ સંઘવાદના મૂળભૂત લક્ષણનું ઉલ્લંઘન છે, જે બંધારણના મૂળભૂત માળખાનો ભાગ છે.‘
અરજદારોએ દલીલ કરી કે, ‘જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે યોજાઈ ચૂકી છે, જે દર્શાવે છે કે રાજ્યનો દરજ્જો પુન:સ્થાપિત કરવામાં કોઈ સમસ્યા નથી. સુરક્ષા ચિંતાઓ, હિંસા અથવા અન્ય કોઈપણ પ્રકારના અવરોધો નથી જે રાજ્યનો દરજ્જો પુન:સ્થાપિત કરવામાં કોઈ સમસ્યા ઊભી કરે.‘