Last Updated on by Sampurna Samachar
રાણાના બાળપણના કોચ શ્રવણનો ખૂલાસો
ગંભીરે ટીમમાંથી બહાર કાઢી મુકવાની ધમકી આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
હર્ષિત રાણા હાલમાં ખૂબ ચર્ચામાં છે. તે સતત ટીકાઓનો સામનો કરી રહ્યો છે. તેનું કારણ ખરાબ પ્રદર્શન અને ટીમમાં સ્થાન મળવાનું છે. કેટલાક લોકોનું માનવું છે કે, રાણા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો નજીકનો મિત્ર છે, અને તેથી, તેને ટીમમાં સ્થાન મળી રહ્યું છે. જોકે, રાણાના કોચે ખુલાસો કર્યો છે કે ગંભીરે તેને ટીમમાંથી બહાર કાઢી મુકવાની ધમકી પણ આપી છે.

સિડનીમાં રમાયેલી અંતિમ વનડેમાં રાણાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેમાં ચાર વિકેટ લઈને ભારતે ઓસ્ટ્રેલિયાને ૨૩૬ રનમાં આઉટ કરવામાં મહત્ત્વનો રોલ નિભાવ્યો હતો. આ મેચ ભારતે જીતી મેળવી અને ટીમના સુપડા સાફ થતા બચી ગયા હતા. રાણાના બાળપણના કોચ શ્રવણે આ વાતનો ખુલાસો કર્યો છે.
ગંભીરે હર્ષિતને આપ્યો ઠપકો
રાણાના કોચ શ્રવણે જણાવ્યું હતું કે, રાણાએ મારી સાથે ફોન પર વાત કરી હતી અને દબાણ અનુભવી રહ્યો છે. શ્રવણે કહ્યું, તેણે મને ફોન કરીને કહ્યું કે, તે તેના પ્રદર્શનના આધારે જે ટીકાનો સામનો કરી રહ્યો હતો તેને રોકવા માંગે છે. મેં તેને પોતાના પર વિશ્વાસ રાખવા કહ્યું. હું જાણું છું કે કેટલાક ક્રિકેટરો કહે છે કે તેઓ ગંભીરની નજીક છે, પરંતુ ગંભીરને ખબર છે કે, ટેલેન્ટને કેવી રીતે ઓળખવી છે અને પછી તે તેમનો સાથે આપે છે.
તેમણે કહ્યું કે, ગંભીરે ઘણા ક્રિકેટરોને સપોર્ટ કર્યો છે, અને તેઓએ ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે. તેમણે હર્ષિતને ઠપકો પણ આપ્યો હતો અને કહ્યું કે, પ્રદર્શન કર નહીંતર હું તને બહાર મોકલી દઈશ.
 
				 
								