૪૫ થી વધુ પેરાલિમ્પિક રમતવીરોની નેશનલ ગેમ્સ માટે પસંદગી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના ખાતે ૪૭ મી ગુજરાત રાજ્ય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાત અને દેશના વિવિધ રાજ્યોમાંથી ૪૦૦ થી વધુ દિવ્યાંગ ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ખેલાડીઓ નેશનલ, ઇન્ટરનેશનલ તેમજ એશિયા પેરા એથ્લેટિક્સ ગેમ્સ જેવી રમતોમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી ચૂક્યા છે. જેમનું આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૪૫ થી વધુ પેરાલિમ્પિક રમતવીરોની નેશનલ ગેમ્સ માટે પસંદગી કરવામાં આવી છે અને તેઓ ગુજરાત રાજ્ય પેરા એથ્લેટિક્સ એસોસિએશનમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે.
૪૭મી ગુજરાત રાજ્ય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં શોટ પુટ, બરછી ફેંક, વ્હીલ થ્રો, ૧૦૦ અને ૨૦૦ મીટર દોડ, લાંબી કૂદ, ઉંચી કૂદ અને ક્લબ થ્રો જેવી સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. GSAA એ એથ્લેટિક્સ અને વિકાસ માટે સમર્પિત અગ્રણી સંસ્થા છે. પ્રતિભાને ઉછેરવા અને ખેલદિલીને પ્રોત્સાહન આપવાના મિશન સાથે સ્થપાયેલ, GSAA તમામ ઉંમર અને ક્ષમતાના એથ્લેટ્સ માટે શ્રેષ્ઠ સુવિધાઓ, તાલીમ કાર્યક્રમો અને સ્પર્ધાત્મક તકો પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.
એસોસિએશન ઉભરતા એથ્લેટ્સને ઓળખવામાં અને ટેકો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર શ્રેષ્ઠ દેખાવ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સંસાધનો પ્રદાન કરે છે. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પેરા એથ્લેટીક્સ એસોસીએશનના પ્રમુખ કાંતિભાઈ પરમાર, સેક્રેટરી ચંદુભાઈ ભટ્ટી, પવન સિંધીએ ભાગ લીધો હતો. સમાજના સમર્થકો, સંયોજક ગૌરવ પરીખ, જિલ્લા રમતગમત વિકાસ અધિકારી સમીરભાઈ પંચાલ સહિત વિકલાંગ ખેલાડીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.