Last Updated on by Sampurna Samachar
વેપારીએ રાખેલી કેરટેકર રૂ.૫ લાખની મત્તા ચોરીનો મામલો
પોલીસે મહિલા સહિત બે ની ધરપકડ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાળકો અને માતા-પિતાની સારસંભાળ માટે ઘરમાં કેરટેકર રાખનારાને ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. વડોદરામાં એક પરિવારે પોતાના ઘરમાં રાખેલા કેરટેકરે ઘરમાંથી ૫૦ હજાર રોકડા સહિત સોના-ચાંદીના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના મામલે પરિવારને જાણ થતાં કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલા સહિત બે શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર વડોદરાના ડભોઇ વાઘોડિયા રિંગરોડ પર તીર્થક ટેનામેન્ટમાં રોશનભાઈ નામના વેપારીએ તેના સાસુ માટે કેરટેકર રાખ્યા હતા. પોલીસ ફરિયાદ મુજબ, ગત ૮ એપ્રિલના રોજ ધંધા પર જતા પહેલા સોનાનું કડુ પહેરવા માટે રોશનભાઈએ સાસુના રૂમમાં રહેલી તિજોરીમાં જોયું હતું. પરંતુ કડુ મળ્યું ન હતું. જેમાં તેની પત્નીના સોનાના દાગીના અને ૫૦ હજાર રોકડ રકમ પણ તિજોરીમાંથી ગુમ હતી. જ્યારે ઘરમાં કેરટેકર સિવાય બીજું કોઈ આવ્યું ન હોવાથી રોશનભાઈએ ૪.૯૪ લાખના મુદ્દામાલની ચોરીની પોલીસમાં ફરિયાદ નોંધવી હતી.
પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરી
સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી હતી. જેમાં કેરટેકર ઉર્વિશા ચૌહાણ અને દિપક સોલંકી રોકડ-સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને કપુરાઈ પોલીસે સોના-ચાંદીના દાગીના અને રોકડ જપ્ત કરીને બંને આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે આરોપીઓએ અન્ય ઘરમાં ચોરીને અંજામ આપ્યો છે કે, તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.