Last Updated on by Sampurna Samachar
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વીજળીના ઘટાડાની કરી જાહેરાત
રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં રહેતા લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મોડી રાત્રે જાહેર કરતા કહ્યું કે આગામી પાંચ વર્ષમાં વીજળીના ભાવમાં ૨૬ ટકાનો ઘટાડો કરવામાં આવશે. પહેલા વર્ષમાં ૧૦ ટકાનો ઘટાડો થશે, જે રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર થશે.
મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું, રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર વીજળીના ભાવમાં ૧૦% નો ઘટાડો થશે અને પાંચ વર્ષમાં ૨૬%નો ઘટાડો થશે. તેમણે મહારાષ્ટ્ર વીજળી નિયમનકારી આયોગ (MERC) નો આભાર માન્યો, જેણે મહાવિતરણની અરજી સ્વીકારી.
સૌર ઉર્જા અને ગ્રીન એનર્જીના ઉપયોગથી વીજળીનો ખર્ચ વધુ ઘટશે
તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે પહેલા મહારાષ્ટ્ર વીજળી નિયમનકારી આયોગ (MERC) પાસે વીજળીના ભાવમાં ૧૦% વધારો કરવા માટેની અરજીઓ આવતી હતી. પરંતુ આ વખતે મહાવિતરણ તરફથી ભાવ ઘટાડવાની માંગ કરવામાં આવી હતી, જેને સ્વીકારવામાં આવી હતી.
આ ઘટાડો ત્રણેય પ્રકારના ગ્રાહકો માટે હશે. જેમાં ઘરેલું, ઔદ્યોગિક અને વાણિજ્યિક. ફડણવીસે જણાવ્યું હતું કે ૧૦૦ યુનિટથી ઓછી વીજળી વાપરનારા ૭૦% લોકોને પહેલા વર્ષમાં ૧૦%નું સંપૂર્ણ ડિસ્કાઉન્ટ મળશે. આનાથી મોટાભાગના ઘરોને રાહત મળશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના ૨.૦ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. આનાથી ખેડૂતોને દિવસ દરમિયાન વિશ્વસનીય વીજ પુરવઠો મળશે. ઉપરાંત, ગ્રીન એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરવાથી વીજળી ખરીદવાનો ખર્ચ ઘટશે. ફડણવીસે કહ્યું કે આગામી સમયમાં, સૌર ઉર્જા અને ગ્રીન એનર્જીના ઉપયોગથી વીજળીનો ખર્ચ વધુ ઘટશે. આ ર્નિણય મહારાષ્ટ્રના લોકો માટે મોટી રાહત છે અને રાજ્યને સસ્તી વીજળી પૂરી પાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.