Last Updated on by Sampurna Samachar
પોલીસ કમિશનર જી.એસ. મલિકે મુલાકાત લીધી
છેલ્લા ત્રણ મહિનાથી આવતા ફરિયાદોનુ હવે આવ્યું નિરાકરણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના હાર્દ સમાન ભદ્ર પ્લાઝા વિસ્તારમાં લાંબા સમયથી સતાવતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિકે મુલાકાત લીધી હતી. ગુજરાત હાઈકોર્ટના કડક આદેશ બાદ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત કામગીરી કરી રસ્તા પરના પાથરણાવાળાને દૂર કરવામાં આવ્યા છે.

પોલીસ કમિશનરે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું કે પાથરણાવાળા હટ્યા બાદ હવે વાહન વ્યવહાર કેટલો સુગમ બન્યો છે. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક વેપારીઓ સાથે પણ સંવાદ કર્યો હતો અને જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી આવતી ફરિયાદો બાદ હવે લોકોને આ ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળી છે.
ભવિષ્યમાં ફરીથી દબાણો ન થાય પોલીસ રાખશે નજર
મુલાકાત બાદ પોલીસ કમિશનરે શહેરના અન્ય વિસ્તારોમાં સર્જાતી ટ્રાફિક સમસ્યા અંગે પણ મહત્વની માહિતી આપી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે સુભાષબ્રિજ સમારકામ માટે બંધ કરવામાં આવ્યા બાદ આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ વધ્યું છે. ખાસ કરીને વાડજ વિસ્તારમાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેનો ઉકેલ લાવવા માટે ત્યાં વધારાનો પોલીસ સ્ટાફ મુકવામાં આવ્યો છે.
ભદ્રમાં પાથરણાવાળા હટ્યા બાદ વેપારીઓએ પણ આ કામગીરીને વધાવી લીધી છે. પોલીસ હવે એ વાત પર ધ્યાન આપી રહી છે કે ભવિષ્યમાં ફરીથી દબાણો ન થાય અને ઐતિહાસિક ભદ્ર વિસ્તારનો વારસો અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે.