Last Updated on by Sampurna Samachar
ટ્રક ચાલકે કાબુ ગુમાવતાં ટ્રક પલટી
પોલીસે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક આવેલા મુની આશ્રમરોડ પાસે વિદેશી દારૂ ભરેલી એક ટ્રક પલટી મારી જવાની ઘટના બની હતી. અકસ્માતને પગલે રસ્તા પર દારૂની બોટલો વીખેરાઈ જતા સ્થાનિક લોકોમાં પડાપડીના દ્રશ્ય સર્જાયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજસ્થાન પાસિંગની એક ટ્રક દારૂનો જથ્થો ભરીને સાણંદના મુનિ આશ્રમ રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રક પલટી જતાની સાથે જ અંદર રહેલી દારૂની પેટીઓ અને છૂટી બોટલ રોડ પર વેરવિખેર થઈ ગઈ હતી.
ટ્રક પલટી જતા રસ્તા પર દારૂની રેલમછેલ
રોડ પર દારૂની બોટલો જોઈને આસપાસના લોકો અને રાહદારીઓ એકઠા થઈ ગયા અને દારૂની બોટલ મેળવવા માટે પડા પડી કરવા લાગ્યા હતા.પોલીસે ભીડને દૂર કરી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી અને રોડ પર પડેલા મુદ્દા માલનો કબજો મેળવ્યો હતો.
આ સમગ્ર ઘટના અંગે DYSP એ જણાવ્યું હતું કે, “સાણંદના મુનિ આશ્રમ રોડ તરફ એક રાજસ્થાન પાર્સિંગની દારૂ ભરેલી ટ્રક પલટી ગઈ હતી પોલીસને જાણ કરાતા કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.”
દારૂ ભરેલી ટ્રક કડી તરફથી સાણંદ તરફ આવી રહી હતી. તે દરમિયાન રોડ પર બમ્પ પરથી પસાર થતા ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો અને ટ્રક પલટી ખાઈ જતા રસ્તા પર દારૂની રેલમછેલ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મુદ્દા માલ કબજે કર્યો હતો અને દારૂની બોટલો અને મુદ્દા માલની ગણતરી હજુ ચાલુ છે.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં જીવનભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.