Last Updated on by Sampurna Samachar
ત્રણ મહિનામાં ૧૨૦૦ જેટલા શ્વાન કરડવાના કેસ
હોસ્પિટલના આંકડા ભયાનક
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ જિલ્લાના જેતપુર શહેર હાલમાં શ્વાનના આતંકથી લોકો ત્રાસી ગયા છે. જેતપુર શહેર અને પંથકમાં રખડતા શ્વાન એટલા હિંસક બન્યા છે કે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી કોઈ સુરક્ષિત નથી. સરકારી હોસ્પિટલના આંકડા જ ભયાનક વાસ્તવિકતા રજૂ કરે છે.

છેલ્લા એક મહિનામાં ૪૫૦ અને ત્રણ મહિનામાં ૧૨૦૦ જેટલા શ્વાન કરડવાના કેસ નોંધાયા છે. આ તો માત્ર સરકારી ચોપડે નોંધાયેલા આંકડા છે, ખાનગી હોસ્પિટલ અને ઘરગથ્થુ ઉપચાર કરાવનારાઓની સંખ્યા ગણતા આ આંકડો ક્યાંય વધારે હોઈ શકે છે.
પાલિકાના ચીફ ઓફિસરનો જવાબ આશ્ચર્યપૂર્વક
મળતી માહિતી મુજબ શહેરના ચંદ્રમોલેશ્વર મંદિર પાસે આવેલા નાળામાં અસામાજિક તત્વો દ્વારા કતલ કરાયેલા પશુઓના અવશેષો ફેંકવામાં આવે છે. આ માંસના લોહીની લાલચે અહીં ૫૦ જેટલા શ્વાનોના ટોળા કાયમી પડાવ નાખીને બેઠા હોય છે.

દુર્ભાગ્યની વાત એ છે કે અહીંથી જ પાંચ-છ શાળાઓનો રસ્તો પસાર થાય છે. સતીશ ગોસ્વામી નામના ૧૦ વર્ષના બાળક પર હિંસક હુમલો થયો હતો. શ્વાન બાળકને ખેંચીને નાળામાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ નસીબજોગે બાળકની ડોકને બદલે શર્ટનો કોલર શ્વાનના મોઢામાં આવતા પિતાએ તેને બચાવી લીધો હતો.
જ્યારે આ ગંભીર મુદ્દે નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થિવ પરમારને પૂછવામાં આવ્યું, ત્યારે તેમનો જવાબ આશ્ચર્યજનક હતો. તંત્ર હજુ શ્વાનોની વસ્તી ગણતરી અને જગ્યા શોધવાની પ્રક્રિયામાં અટવાયેલું છે. સરકાર પાસે જગ્યા મંગાઈ છે અને ત્યારબાદ ખસીકરણ થશે તેવી ખાતરી અપાઈ રહી છે.