Last Updated on by Sampurna Samachar
સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ
પાલિકાના ચીફ ઓફિસરની સરકારી કાર ખાડામાં ખાબકી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગોધરા શહેરના ભાગોળ વિસ્તારમાં એક મસમોટો ખાડો પડી જતાં વાહનચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. અનેક વાહનો આ ખાડામાં ખાબકતા હોવાથી સ્થાનિકો લોકો દ્વારા અનેક વખત નગરપાલિકાની રજૂઆત કરાઈ છે. તેમ છતાં પાલિકા આંખ આડા કાન કરી છે. હદ તો ત્યારે થઈ કે, થોડા દિવસો પહેલા ખુદ પાલિકાના ચીફ ઓફિસરની સરકારી કાર ખાડામાં ખાબકી હતી, તેમ છતાં આ ખાડાને પુરવાની તસ્દી લેવામાં આવી નથી.

ગોધરા શહેરમાં છેલ્લા એક વર્ષમાં બનાવવામાં આવેલા નવા રસ્તાઓની હાલત વરસાદ બાદ કથળી ગઈ છે. રસ્તાઓ પર મોટા ખાડા પડી જતાં શહેરીજનો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ દરમિયાન ભાગોળ વિસ્તારમાં મસમોટો ખાડો વાહનચાલકો માટે માથાનો દુ:ખાવો બન્યો છે. આ ખાડાને લઈને નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. જેના કરાણે સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોએ જિલ્લા કચેરીમાં લેખિત રજૂઆત કરી
ઉલ્લેખનીય છે કે, શહેરના મુખ્ય માર્ગો જેવા કે ભુરાવાવ ચાર રસ્તા નજીક યોગેશ્વર સોસાયટી રોડ, નવીન ઓવરબ્રિજ, ઉશહેરા ભાગોળ માર્ગ, ગીધવાણી રોડ, બસ સ્ટેશન માર્ગ, મોદીની વાડીથી સહેય ભાગોળ માર્ગ અને જાફરાબાદ વાવડી વિસ્તારના માર્ગો પર મોટા ખાડા પડ્યા છે. આ અંગે સ્થાનિકોએ જિલ્લા સેવાસદન કચેરીમાં લેખિત રજૂઆત કરી છે.