Last Updated on by Sampurna Samachar
આ માર્ગ હવે અકસ્માત ઝોન બની ગયો
રેવાસ નજીક મોટી સંખ્યામાં લોકોએ સુત્રોચ્ચાર કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇડર-શામળાજી હાઇવે પર લાંબા સમયથી ધીમી ગતિથી કામગીરી ચાલી રહી છે. જેના કારણે સ્થાનિક રહીશોનો પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. રેવાસ નજીક મોટી સંખ્યામાં એકઠા થયેલા ગ્રામજનોએ નેશનલ હાઇવે પર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવતી નથી, જેના કારણે રસ્તાની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. આ અધૂરી કામગીરી અને ઉડતી ધૂળને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને આ માર્ગ હવે અકસ્માત ઝોન બની ગયો છે.
કામગીરી ઝડપથી પૂર્ણ નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે
તાજેતરમાં થયેલા અકસ્માતોને પગલે લોકોમાં રોષ વધુ ઉગ્ર બન્યો હતો અને વિરોધમાં લોકોએ નેશનલ હાઇવે ચક્કાજામ કરી દીધો હતો. હાઇવે બંધ થવાને કારણે રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના સમાચાર મળતા જ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે દેખાવકારોને સમજાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ લોકોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.