Last Updated on by Sampurna Samachar
ભારતને ટ્રોફી ન આપવા બદલ કરાશે ઉજવણી
ઇન્ડિયાની જીત છતાં, ટ્રોફી આપવામાં આવી ન હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
એશિયા કપ ૨૦૨૫ની ફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી, જેમાં ટીમ ઇન્ડિયા ૫ વિકેટથી જીતી હતી. આ જીત સાથે, ભારતે ૯મી વખત એશિયા કપની ટ્રોફી જીતી હતી. જોકે, ટીમ ઇન્ડિયાને હજુ પણ એશિયા કપ ટ્રોફી મળી નથી. ભારતે પાકિસ્તાન સરકારના મંત્રી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
એશિયા કપ પ્રેઝન્ટેશન સમારોહ દરમિયાન, એવું અહેવાલ આવ્યું હતું કે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અન્ય એક અધિકારી ભારતને ટ્રોફી આપશે. જોકે, મોહસીન નકવી અડગ રહ્યા, અને ટીમ ઇન્ડિયા એશિયા કપ જીતવા છતાં, ટ્રોફી આપવામાં આવી ન હતી.
પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહીં
મળતા અહેવાલ મુજબ, PCB હવે આ સિદ્ધિ બદલ મોહસીન નકવીને ગોલ્ડ મેડલ આપી રહ્યું છે.એશિયા કપ ફાઇનલમાં ભારત સામેના શરમજનક કૃત્ય બદલ મોહસીન નકવીને ગોલ્ડ મેડલ મળવાનો છે. મોહસીન નકવીને શહીદ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો એક્સેલન્સ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. સિંધ અને કરાચી બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખોએ આ પુરસ્કારની જાહેરાત કરી છે.
તેમનું માનવું છે કે PCB અધ્યક્ષ મોહસીન નકવીએ ભારતને એશિયા કપ ટ્રોફી ન આપીને પાકિસ્તાનને સન્માન આપ્યું છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મોહસીન નકવીને આ ચંદ્રક અર્પણ કરવા માટે કરાચીમાં એક સમારોહ યોજાશે. બિલાવલ ભુટ્ટો ઝરદારીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવશે.
ભારતીય ખેલાડીઓએ સમગ્ર એશિયા કપ ૨૦૨૫ ટુર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા. એશિયા કપનો ખિતાબ જીત્યા પછી, ટીમ ઇન્ડિયાએ ભારત સામે ઝેર ઓકનાર મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
ભારતીય ટીમ ટ્રોફી મેળવવાની રાહ જાેઈ રહી હતી, પરંતુ મોહસીન નકવી, તેને પોતાની મિલકત સમજીને, એશિયા કપ ટ્રોફી લઈને ભાગી ગયો. બીસીસીઆઈ નવેમ્બરમાં ગ્લોબલ બોડી મીટિંગ્સ દરમિયાન મોહસીન નકવી વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)માં ફરિયાદ નોંધાવવાની યોજના બનાવી રહી છે.