તંત્રની કાર્યવાહીથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓમાં ફફડાટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાટણ ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી કરી સિદ્ધપુરની રિયલ ડેરી ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાંથી ૧૦૩ કિલો શંકાસ્પદ પનીર કિં.રૂ. ૨૫,૭૫૦નો જથ્થો ઝડપી પાડ્યો હતો. તંત્રની કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ પાટણના નગરજનોને શુદ્ધ-સાત્વીક અને ભેળસેળ મુક્ત ખોરાક મળી રહે તે માટે ખોરાક ઔષધ નિયમન તંત્ર, પાટણ તેમજ એસઓજી ટીમ પાટણ દ્વારા સિદ્ધપુર ખાતે આવેલી રીયલ ડેરી ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાં તપાસ હાથ ધરી એક પનીર, બે દહીં , એક દૂધ અને એક એસેટિક એસિડના પાંચ નમૂના લેવામાં આવ્યા હતા.
જેમાં પનીર શંકાસ્પદ હોઇ કુલ ૧૦૩ કિલો કે જેની અંદાજિત રકમ રૂ.૨૫,૭૫૦ છે. જે પેરિસેબલ પ્રોડક્ટ હોઇ તેનો નાશ કરાવી લીધેલ નમૂનાઓ પૃથ્થકરણ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા હોવાનું ખોરાક ઔષધ નિયમન તંત્ર પાટણના સૂત્રોએ જણાવ્યું હતું. પાટણ ઔષધ નિયમન તંત્રને એસ.ઓ.જી.ની ટીમ દ્વારા સિદ્ધપુરની રીયલ ઇન્ડસ્ટ્રીઝ ડેરીમાંથી ઝડપાયેલા પનીર નાશંકાસ્પદ જથ્થાને લઈને હાથ ધરાયેલી કાર્યવાહીને પગલે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.