Last Updated on by Sampurna Samachar
સિદ્ધપુર GIDC માં ૧૩૩ થી ૧૩૫ નંબરના ગોડાઉનમાં મોટી રેડ પાડવામાં આવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાટણમાં નકલી ઘી બાદ નકલી તેલનું ગોડાઉન ઝડપાયું છે. પાટણ SOG અને GIDC વિભાગે સંયુક્ત રેડ પાડી નકલી તેલનો ૧૦,૫૦૦ લીટરનો શંકાસ્પદ જ્રથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. તેલના સેમ્પલ FSL માં મોકલવામાં આવ્યા છે.
નકલી ઘી, નકલી ટોલનાકું, નકલી કચેરી, નકલી પોલીસ જેવું કેટલુંય નકલીનો રાફડો ફાટ્યો છે, ત્યારે નકલી તેલ નીકળતા ફૂડ વિભાગ સફાળું જાગ્યું છે. પાટણ જીલ્લાના સિદ્ધપુર GIDC માં આવેલ ૧૩૩ થી ૧૩૫ નંબરના ગોડાઉનમાં મોટી રેડ પાડવામાં આવી હતી.
એસઓજી વિભાગ અને ફૂડ વિભાગને નકલી તેલ બની રહ્યું હોવાની બાતમી મળતાં જીઆઈડીસીમાં દરોડા પાડ્યા હતા. ટીમને રેડ દરમિયાન શંકાસ્પદ તેલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ભેળસેળવાળું તેલ ભરત રમેશભાઈ મોદી વેચી રહ્યો હતો. SOG અને ફૂડ વિભાગની રેડમાં તેલની ૪ ટેન્ક મળી આવી હતી. અલગ-અલગ બ્રાન્ડનું ૧૦,૫૦૦ લીટર શંકાસ્પદ તેલ મળી આવ્યું હતું.
ગોડાઉનમાંથી શંકાસ્પદ તેલ બનાવવાની સાધન સામગ્રી ઝડપાઈ છે. કુલ રૂપિયા ૨૦,૩૧,૬૫૦નો શંકાસ્પદ તેલનો જથ્થો એસઓજી અને ખાદ્ય વિભાગે સિઝ કર્યો છે. તેલમાં ભેળસેળ માટેનું રો-મટીરિયલ પણ વિપુલ માત્રામાં મળી આવતા ટીમ ચોંકી ઉઠી હતી. વિટામીન છ અને વિટામિન D નું કન્સ્ટ્રનટ્રેડ લિક્વિડ પણ મળી આવ્યું છે. બહારથી તેલના ટેન્કર મંગાવી અલગ અલગ બ્રાન્ડમાં પેકિંગ કરાતું હતું. શંકાસ્પદ તેલના સેમ્પલ લઈને FSL માટેની તજવીજ હાથ ધરાઈ છે.