Last Updated on by Sampurna Samachar
૧ હજારથી વધુ મુસાફરો રાતભર ટર્મિનલમાં જ રહેવું પડ્યું
બેંગલુરુ જતી ફ્લાઇટ રનવે પર બે કલાક સુધી ઊભી રહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ હૈદરાબાદ પર ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ્સ સમસ્યાનો સામનો કરી રહી છે. ટેકનિકલ ખામીના કારણે મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, ચેન્નઈ, અમદાવાદ સહિત અનેક મોટા શહેરોમાં જતી ફ્લાઇટ્સ રદ થઈ અથવા તો કલાકો સુધી મોડી થઈ હતી. પરિણામે ગઈ રાતથી અત્યાર સુધી લગભગ ૧ હજારથી વધુ મુસાફરો એરપોર્ટ પર ફસાયેલા છે અને રાતભર ટર્મિનલમાં જ રહેવું પડ્યું છે.

બેંગલુરુ જતી ફ્લાઇટ (૬ઈ-૬૧૮) રનવે પર બે કલાક સુધી ઊભી રહી હતી. આ બાદ, મુસાફરોને પાછા ટર્મિનલમાં ઉતારી દેવામાં આવ્યા હતા. ઘણા મુસાફરોની વિદેશ જતી કનેક્ટિંગ ફ્લાઇટ્સ છૂટી ગઈ, કેટલાકના વિઝા ઇન્ટરવ્યુના કાર્યક્રમ ખોરવાયા, અને કેટલાક મેડિકલ ઇમરજન્સી માટે મુસાફરી કરી રહ્યા હતા. એરપોર્ટ પર ઇન્ડિગોનો સ્ટાફ મુસાફરોના સવાલોના સંતોષકારક જવાબ આપી શક્યો નહીં, જેનાથી ગુસ્સો અને ચિંતા વધી ગઈ હતી.
ઇન્ડિગોની આ બેદરકારીથી હજારો રૂપિયાનું નુકસાન
એક મુસાફરે ગુસ્સામાં કહ્યું કે, “અમને કંઈ જ ખબર નથી પડતી કે ફ્લાઇટ ક્યારે જશે. ટેકનિકલ ખામી શું છે એ પણ કોઈ કહેતું નથી. રાતભર ભૂખ્યા-તરસ્યા બેઠા છીએ, ન ખાવાનું છે, ન પીવાનું છે, ન ઊંઘવાની જગ્યા છે. આ શું સેવા છે?” બીજા એક મુસાફરે કહ્યું કે, “મારે આજે સવારે દિલ્હીમાં વિઝા ઇન્ટરવ્યુ હતો. હવે બધું ખોરવાઈ ગયું છે. ઇન્ડિગોની આ બેદરકારીથી હજારો રૂપિયાનું નુકસાન થયું છે.”
ઇન્ડિગોના પ્રવક્તાએ નિવેદન જાહેર કરીને કહ્યું કે, “અમને અચાનક ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. અમે ઝડપથી તેનો ઉકેલ લાવવા કામ કરી રહ્યા છીએ. મુસાફરોને થયેલી અસુવિધા માટે અમે દિલગીર છીએ અને શક્ય તેટલી સહાય પૂરી પાડી રહ્યા છીએ.”
જોકે મુસાફરોનો આક્ષેપ છે કે, હજુ સુધી ન તો ભોજનની વ્યવસ્થા થઈ છે, ન હોટેલની, અને ન કોઈ નવી ફ્લાઇટની માહિતી આપવામાં આવી છે. ઉડ્ડયન નિષ્ણાતો આ ઘટનાને ગંભીર ગણાવે છે. તેઓ કહે છે કે, દેશની સૌથી મોટી એરલાઇન બની ગયેલી ઇન્ડિગો છેલ્લા કેટલાક મહિનાઓથી ટેકનિકલ અને ઓપરેશનલ સમસ્યાઓથી પરેશાન છે. આવી ઘટનાઓ એરલાઇનની વિશ્વસનીયતા પર સવાલ ઉભા કરે છે.
એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે, તેઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને મુસાફરોને પાણી, ખાવાનું તેમજ જરૂરી સહાય પૂરી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે મુસાફરોને ધીરજ રાખવા અપીલ કરી છે અને કહ્યું છે કે, “ટૂંક સમયમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે.”
પરંતુ એરપોર્ટની બહાર લાઈનમાં ઊભેલા મુસાફરોની આંખોમાં હજુ પણ ચિંતા અને ગુસ્સો દેખાઈ રહ્યો છે. ઘણા લોકોના મહત્વના કામ ખોરવાયા છે, અને ઇન્ડિગોની આ ઘટના સોશિયલ મીડિયા પર પણ ભારે ટીકાનો વિષય બની છે.