Last Updated on by Sampurna Samachar
ચીનથી જાપાન જતી ફ્લાઇટના મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
૧૦ મિનિટમાં ૨૬૦૦૦ ફૂટ નીચે આવી ગયું વિમાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
જાપાનમાં એક બોઇંગ ૭૩૭ વિમાન અકસ્માતમાંથી માંડ બચી ગયું હતું. આ બોઇંગ વિમાન ચીનથી જાપાનની રાજધાની ટોક્યો જઈ રહ્યું હતું. શાંઘાઈમાં ઉડાન ભરતાંની સાથે જ વિમાનમાં ખામી સર્જાઈ અને અચાનક નીચે આવવા લાગ્યું. વિમાનને લગભગ ૨૬ હજાર ફૂટ ઉપરથી નીચે પડતું જોઈને મુસાફરોએ સોશિયલ મીડિયામાં મેસેજો લખવાના શરૂ કરી દીધા હતા. આખરે એ વિમાનને સફળતાપૂર્વક લેન્ડ કરાયું હતું.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર, આ બોઇંગ વિમાનમાં ૧૯૧ મુસાફરો હતા. ક્રૂ મેમ્બર સહિત લગભગ ૨૦૦ લોકો પ્લેનમાં હતા. મોટાભાગના મુસાફરો ચીનના હતા, જેઓ જાપાનના ટોક્યો જઈ રહ્યા હતા. જાપાન સરકારના જણાવ્યા મુજબ, કેબિનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ સમય દરમિયાન વિમાન ૧૦ મિનિટમાં ૨૬, ૦૦૦ ફૂટની ઊંચાઈથી નીચે આવી ગયું હતું.
ચેતવણીની સાથે જ ફ્લાઇટમાં ગભરાટ ફેલાયો
પ્રારંભિક અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે વિમાન કેબિનમાં હવાનું દબાણ જાળવી રાખતી પ્રેશરાઇઝેશન સિસ્ટમમાં ખામી અંગે ચેતવણી જારી કરી હતી. આ બાદ પાઇલોટ્સે એર ટ્રાફિક કંટ્રોલરનો સંપર્ક કર્યો હતો. ફ્લાઇટ નીચે ઉતરતાંની સાથે જ એર હોસ્ટેસે ચેતવણી જારી કરી હતી. ચેતવણી સાંભળતાની સાથે જ ફ્લાઇટમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. લોકો બૂમો પાડવા લાગ્યા હતા.
કેટલાક લોકોએ તરત જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું શરૂ કર્યું. તે જ સમયે, કેટલાક લોકોએ વસિયત લખવાનું પણ શરૂ કરી દીધું હતું. એક મુસાફરે વિમાનને નીચે પડતું જોઈને લખ્યું – મારું શરીર હજી પણ અહીં છે. મારા પગ ધ્રૂજી રહ્યા છે.
જ્યારે તમે જીવન કે મૃત્યુનો સામનો કરો છો, ત્યારે બાકીનું બધું તુચ્છ લાગે છે. લેન્ડિંગ પછી વિમાનને લગભગ ૧ કલાક સુધી જેમનું તેમ રાખવામાં આવ્યું હતું. આ પછી જ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જાપાન એરલાઇન્સનું કહેવું છે કે તેણે તમામ મુસાફરોને વળતર તરીકે લગભગ ૧૦ હજાર રૂપિયાની ઓફર કરી હતી.