Last Updated on by Sampurna Samachar
આધુનિક ફૂટ ઓવરબ્રિજ બનાવવાનું આયોજન હાથ ધર્યું
નવા બ્રિજના પાયા પણ હજુ સુધી નાખવામાં આવ્યા નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભરૂચ રેલવે સ્ટેશન પર ચાલી રહેલી રીનોવેશન કામગીરીના ભાગરૂપે સ્ટેશનના એક છેડેથી બીજા છેડા સુધી જવા માટેનો ઓવરબ્રિજ વર્ષો જૂનો અને જર્જરિત હોવાથી નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બે વર્ષ અગાઉ આ બ્રિજ તોડી પાડવામાં આવ્યો હતો.

આ જૂના બ્રિજની જગ્યાએ ભરૂચ રેલવે સ્ટેશન પર પૂર્વથી પશ્ચિમ તરફ અવરજવર માટે ૧૨ મીટર પહોળો આધુનિક ફૂટ ઓવરબ્રિજ બનાવવાનું આયોજન હાથ ધર્યું છે, જેમાં મુસાફરોની સુવિધા માટે એસ્કેલેટર તથા લિફ્ટની વ્યવસ્થા પણ રહેશે. નવો બ્રિજ પૂર્ણ થાય ત્યાં સુધી પૂર્વ–પશ્ચિમ તરફ આવજાવ માટે સ્ટેશન પર રેમ્પ ફૂટ બ્રિજની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
ડી.આર.યુ.સી.સી. સભ્ય એમ. હબીબ લોખંડવાલાએ જણાવ્યું છે કે, રેલવે દ્વારા જૂનો પુલ તોડી નાંખ્યા બાદ તેનો કોઈ યોગ્ય વિકલ્પ આપવામાં ન આવતા મુસાફરો પરેશાન થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ સ્ટેશન પર માત્ર એક જ રેમ્પ ઉપલબ્ધ છે, જે લાંબો અને વળાંકવાળો હોવાથી સામાન્ય મુસાફરો માટે પણ કંટાળાજનક બન્યો છે, જ્યારે વૃદ્ધો અને દિવ્યાંગો માટે તો મુસાફરી અત્યંત મુશ્કેલ બની છે.
ભરૂચ રેલવે સ્ટેશનના બ્રિજનું નિર્માણ વહેલુ જરૂરી
પુલના અભાવે અનેક મુસાફરો ભરૂચ રેલવે સ્ટેશનના પાંચ પ્લેટફોર્મ પર અવરજવર કરવા માટે જીવના જોખમે રેલવે પાટા ઓળંગવા મજબૂર બની રહ્યા છે. બીજી તરફ નવા બ્રિજના પાયા પણ હજુ સુધી નાખવામાં આવ્યા નથી, જેથી લોકોને અત્યાધુનિક બ્રિજનો લાભ મળે તે રાહ જોવી પડશે, આ મુદ્દે રેલવે કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે કે શું, તેવો પ્રશ્ન કર્યો છે.
વધુમાં ઉમેર્યું હતું કે, કરજણ, કોસંબા અને અંકલેશ્વર ખાતે લિફ્ટની સુવિધા સાથેના અત્યાધુનિક બ્રિજ બની ગયા છે, જ્યારે પાલેજ ખાતે આ બ્રિજની કામગીરી પ્રગતિ હેઠળ છે, ખરેખર મુખ્ય મથક ભરૂચ છે, લાંબા અને ટૂંકા ગાળાની ટ્રેનો અહીં આવતી હોય ભરૂચ રેલવે સ્ટેશનના બ્રિજનું નિર્માણ વહેલું કરવું જોઈએ.