Last Updated on by Sampurna Samachar
કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ સંબોધનમાં મોદી – શાહ પર ટીકાઓ વરસાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્ય પ્રદેશના મહુમાં બંધારણ રેલીને સંબોધિત કરતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા છે. ખડગેએ મહાકુંભમાં અમિત શાહના ગંગા સ્નાન પર પણ ટીખળ કરતાં કહ્યું કે, શું ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી દૂર થશે?
મલ્લિકાર્જુન ખડગેએ રેલીને સંબોધિત કરતાં શરૂઆતમાં જ સૌની માફી માગ્યા બાદ ટીકાઓ અને આક્ષેપોનો વરસાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, મોદી-શાહ અમને ગાળો આપે છે. આઝાદીની લડાઈમાં તેમણે બલિદાન આપ્યું નથી. આ લોકોને બોધપાઠ ભણાવવા આપણે એકજૂટ થવુ પડશે. જો તમામ લોકો આંબેડકર બની જશે તો ભાજપ સરકારનો પાયો ડગમગી જશે. તેઓ આપણા બાળકોને ઘોડા પર ચડવા દેતા નથી. ધર્મના નામે ગરીબોનું શોષણ અને લૂંટફાટ મચાવી છે. જે અમે ક્યારેય ચલાવી લઈશુ નહીં.
વધુમાં ખડગેએ કહ્યું કે, શું ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી દૂર થશે? તેઓ બધાને મૂર્ખ બનાવી રહ્યા છે. બાળકોના પેટમાં ભોજન પણ હોવુ જોઈએ. હું કોઈની આસ્થાને દુભાવવા માંગતો નથી. કોઈને દુઃખ થયુ હોય તો હું માફી માગું છું. પણ એકબાજુ ઘણાં બાળકો ભૂખ્યા છે, રોજગારી મળી રહી નથી. અને તેઓ કરોડો રૂપિયા ખર્ચી ગંગામાં ડૂબકી લગાવી રહ્યા છે.
મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, આપણે સાંપ્રદાયિકતાના તે વિષયને નષ્ટ કરી દેવો જાેઈએ, જેણે યુગ પુરુષની હત્યા કરી. ગાંધીજીની હત્યા પર સમારોહ કરનારા લોકોને ભારતીય કહેવાનો કોઈ હક નથી. આરએસએસ અને ભાજપ પોતે દેશદ્રોહી છે. આ મારા શબ્દો નથી, નેહરૂ અને વલ્લભજીના શબ્દ છે. બાબા સાહેબ તમામને સાથે લઈને ચાલ્યા છે. આ લોકોએ એટલા પાપ કર્યા છે કે, સાત જન્મ તો શું ૧૦૦ જન્મ સુધી સ્વર્ગ નસીબ નહીં થાય.