Last Updated on by Sampurna Samachar
૧૫૦૦ થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા
૨૦૦ થી વધુ લોકો પોતાનું ઘર છોડવા મજબૂર થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા બાદ હવે દક્ષિણ કોરિયાના ૨૦ જંગલોમાં ભયાનક આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ-પૂર્વ કોરિયા દ્વીપકલ્પમાં આગ ફેલાતા હજારો મકાનો ખાલી કરાવવામાં આવ્યા જ્યારે ૧૫૦૦ થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
મળતા અહેવાલો મુજબ આગને ઓલવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ સહિત હેલિકોપ્ટરનો પણ સહારો લેવા છે. આગ પર કાબુ મેળવવા માટે ૩૦ હેલિકોપ્ટર તેમજ ફાયર બ્રિગેડના અનેક કર્મચારીઓએ પ્રયાસ કર્યો હતો. ઘટનામાં ફાયર બ્રિગેડને બે કર્મચારીઓ સહિત ૪ લોકોના મોત અને અન્ય છ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે.
આગ લગભગ ૩૦ ટકા કાબુમાં આવી ગઈ
આ આગના સોશિયલ મીડિયા પર ભયાનક વીડિયો વાયરલ થઇ રહ્યા છે. વીડિયોમાં જંગલના અનેક વિસ્તારોમાં આગની જ્વાળાઓ તેમજ દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, સાન્ચેઓંગમાં લાગેલી આગ લગભગ ૩૦ ટકા કાબુમાં આવી ગઈ છે.
દક્ષિણ કોરિયા (SOUTH KOREA) ના વિવિધ ભાગોમાં આગ ફેલાતા એક તરફ સ્થાનિક રહેવાસીઓની ચિંતા વધારી દીધી છે, તો બીજીતરફ ફાયર બ્રિગેડની ટીમ, પોલીસની ટીમ અને અધિકારીઓ દોડતા થઈ ગયા છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે, જોકે ભારે ધુમાડો અને તીવ્ર પવનના કારણે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બની ગયો છે.
દક્ષિણ ગ્યોંગસાંગ પ્રાંતમાં 3 દિવસથી લાગેલી આગ હજુ પણ કાબુમાં આવી શકી નથી. ત્યારે અત્યાર સુધીમાં ૩૦૦ થી વધુ એકર ક્ષેત્રમાં આગ ફેલાઈ ગઈ છે. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહેલા ફાયર બ્રિગેડના બે કર્મચારીઓના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ૨૦૦ થી વધુ લોકો પોતાનું ઘર છોડવા મજબૂર થયા છે, જ્યારે હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આગમાં કુલ ૩,૨૮૬.૧૧ હેક્ટર જમીન ખાક થઈ ગઈ છે.
ઉત્તર ગ્યોંગસાંગ પ્રાંતના યુઇસોંગ અને સાન્ચેઓંગમાં ૧,૦૦૦ હેક્ટરથી વધુ જમીન નાશ પામી છે. અધિકારીઓ આગને બુઝાવવાના પ્રયાસો ચાલુ રાખતા લગભગ ૧,૫૦૦ રહેવાસીઓને કામચલાઉ આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. અગ્નિશામકો દક્ષિણપૂર્વીય પ્રદેશના ચાર વિસ્તારોમાં જંગલની આગ ઓલવવાનું કામ કરી રહ્યા હતા.