ટ્રમ્પ શપથ લે પહેલાં જ તેમના નિવેદનથી લોકોમાં આશ્ચર્ય !!
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના નવ-નિયુક્ત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ પહેલાં જ પોતાના નિવેદનોથી ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પની નજર હાલ ગ્રીનલેન્ડ અને પનામા નહેર હાંસલ કરવા પર છે. જેના માટે તેઓએ જરૂર પડ્યે સેનાનો ઉપયોગ કરવાનો પણ સંકેત આપ્યો છે. ટ્રમ્પના આ નિવેદનને આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે.
જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ૨૦ જાન્યુઆરીએ અમેરિકાના ૪૭માં રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લેશે. ત્યારે ટ્રમ્પે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, પનામા નહેર અને ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવા માટે સૈન્ય બળના પ્રયોગી સંભાવનાનો ઈનકાર નહીં કરૂ. અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે બંને પર અમેરિકન નિયંત્રણ મહત્ત્વપૂર્ણ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકેનું પદ સંભાળે તે પહેલાં, ડોનાલ્ડ ટ્રમ્પ દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર સહિત સહયોગીઓ અને સલાહકારોના પ્રતિનિધિમંડળ સાથે ગ્રીનલેન્ડની મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાત કરતી વખતે બંને વિસ્તારની સુરક્ષા માટે સેનાના પ્રયોગના વિકલ્પને ખુલ્લો મૂક્યો હતો. ટ્રમ્પના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો હતો.
અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્ર પ્રમુખને જ્યારે પૂછવામાં આવ્યું કે, ગ્રીનલેન્ડ અને પનામા નહેર પર નિયંત્રણ માટે શું તે સેનાના ઉપયોગની સંભાવનાનો ઈનકાર કરશો? જેના જવાબમાં ટ્રમ્પે કહ્યું, હું તેના પર કોઈ પ્રતિબદ્ધતા નહીં વ્યક્ત કરૂ. પનામા નહેર અમારા દેશ માટે મહત્ત્વપૂર્ણ છે. અમને રાષ્ટ્રીય સુરક્ષા ઉદ્દેશ માટે ગ્રીનલેન્ડની પણ જરૂર છે.
નોંધનીય છે કે, ગ્રીનલેન્ડ ડેન્માર્કનો એક સાર્વભૌમ વિસ્તાર છે, જે લાંબા સમયથી અમેરિકાનો સહયોગી અને નાટોનો સંસ્થાપક સભ્ય છે. ટ્રમ્પે કેનેડાને અમેરિકામાં સામેલ કરવાનો પણ વિચાર પ્રગટ કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે, હું આવું કરવા માટે સૈન્ય બળનો ઉપયોગ નહીં કરૂ. પરંતુ, આર્થિક બળ પર વિશ્વાસ કરીશ.