એક સામાન્ય બેદરકારીએ કિશારોનો જીવ લીધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠામાં ગેસ ગીઝરના લીધે ૧૩ વર્ષીય કિશોરીએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના પાલનપુરની તિરૂપતિ રાજનગર સોસાયટીમાં ગેસ ગીઝરને કારણે ગૂંગળાઇ જતા કિશોરીનું મોત નિપજ્યું છે. સવારના સમયે કિશોરીએ ગરમ પાણી માટે ગેસ ગીઝર ચાલુ કરીને સ્નાન કરી રહી હતી. સમય વીતવા છતાં કિશોર બહાર ન નીકળતા પરિજનોએ બુમાબુમ કરી હતી. બારીના કાચ તોડીને બાથરૂમમાંથી કિશોરીને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવી હતી. કિશોરીને હોસ્પિટલ ખસેડાતા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
ઉલ્લેખનીય છે કે બાથરૂમમાં નહાવા ગયેલી કિશોરી ૧૫ મિનિટ સુધી બહાર નહીં આવતા તેની માતાએ દરવાજો ખખડાવ્યો હતો. જોકે દરવાજો નહીં ખુલતા માતાએ કાચની બારીમાંથી નજર નાંખતા કિશોરી ફર્શ પર પડેલી જોવા મળી હતી. જે બાદ દરવાજો તોડીને તેને બહાર કઢાઇ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં હાજર તબીબે કિશોરીને મૃત જાહેર કરી જેને લઇ પરિજનોમાં શોકનો માહોલ છે. નાગરિકોને પોતાના ઘરમાં ગીઝર માટે યોગ્ય વ્યવસ્થા કરવાની અપીલ કરી રહ્યા છે.
બીજી તરફ તબીબો પણ કાર્બન મોનોક્સાઇડને જીવલેણ ગણાવી રહ્યા છે. તેનો આકાર, રંગ અને સુગંધ ન હોવાથી માણસને ખ્યાલ નથી આવતા અને મોતના મુખમાં ધકેલાઇ જાય છે. તો ટેકનીકલ એક્સર્ટ ગીઝરને બાથરૂમની બહાર ફિટ કરાવવા સલાહી આપી રહ્યા છે. ટેકનીકલ એક્સર્ટનું કહેવું છે કે બાથરૂમ બંધ રહેતું હોવાથી ગૂંગળામણ થાય છે, ગેસ ગીઝરના પોઇન્ટ પણ બહાર જ રાખવા જોઇએ, સમયાંતરે ગીઝરની સર્વિસ કરાવવી જોઇએ. આમ એક સામાન્ય બેદરકારીએ કિશારોનો જીવ લીધો છે, ત્યારે જો આપના ઘરના બાથરૂમમાં ગીઝર હોય તો આપે ચેતી જવાની જરૂર છે.