અમદાવાદમાં વર્ષ ૨૦૧૭થી ૨૦૨૪ દરમિયાન કુલ ૧૨૨૩ લોકોને ભારતીય નાગરિકત્વ મળ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજય મંત્રી હર્ષ સંઘવીએ પાકિસ્તાનના લઘુમતી ૫૬ નાગરિકોને ભારતીય નાગરિકતા આપી હતી. આ માટે અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પાકિસ્તાની લઘુમતીઓને સંબોધિત કરતા ગૃહ રાજય મંત્રીએ એવું કહ્યું હતું કે, ‘મુસ્કરાઇએ અબ આપ સબ ભારત દેશ કે નાગરિક હૈ.’ ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વર્ષ ૨૦૧૭થી ૨૦૨૪ દરમિયાન કુલ ૧૨૨૩ લોકોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં છે.
હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે પાકિસ્તાનથી આવીને વસેલા હિન્દુ પરિવારોને નવી ઓળખ આપવાનું કામ હાથ ધર્યુ છે. હવે તમે ગર્વથી ભારતને તમારી કર્મભૂમિ બનાવી શકો છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનું દાયિત્વ સંભાળ્યા પછી નાગરિકતા નિયમોમાં બદલાવ લાવીને પાકિસ્તાનથી ભારત આવીને વસેલા નાગરિકોને તેમની ઓળખ સમાન નાગરિકતા પ્રમાણપત્ર મળે તે માટે એક દિશાસૂચક કામગીરી કરી છે.
આ પ્રસંગે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર નાગરિકોએ તેમના પ્રતિક્રિયાઓ આપી હતી. લઘુમતીઓને નાગરિકતા આપતો કાયદો લાવવા બદલ તેઓએ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. સંઘવીએ વધુમાં એમ પણ કહ્યું કે, પાકિસ્તાનમાંથી આવેલા ઘણા લઘુમતી પરિવારો સમાજમાં વિવિધ ક્ષેત્રે વિકાસ કરી રહ્યા છે અને સમાજના ઉત્થાનમાં મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે. આવા પરિવારોનાં સંતાનો પણ સફળતા મેળવી રહ્યાં છે. પાકિસ્તાનમાંથી આવીને વસેલા હિન્દુ પરિવારો હવે ગુજરાતમાં આનંદથી જીવી શકશે.