કેટલાક લોકોએ આ ઇસ્લામિક કાયદાની વિરૂદ્ધ ગણાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની દીકરી મરિયમ નવાઝનો UAE ના રાષ્ટ્રપ્રમુખ શેખ મહોમ્મદ બિન ઝાયદ સાથે હાથ મિલાવવો એ પાકિસ્તાન માટે ચર્ચાનો વિષય બન્યો છે. જેની એક તસવીર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. મીડિયાથી લઈને સોશિયલ મીડિયા પર આ મામલે અનેક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જ્યાં એક બાજુ અમુક લોકો આજકાલના સમય મુજબ તેને એકદમ બરાબર જણાવે છે, તો વળી બીજી બાજુ લોકો તેને શરિયત એટલે ઇસ્લામિક કાયદાની વિરૂદ્ધ જણાવીને ખોટું કહ્યું છે.
સોશિયલ મીડિયા પર ઈમરાન ખાનના સમર્થકો અને શાહબાઝ શરીફ તેમજ મરિયમના સમર્થકોમાં પણ જોરદાર વિવાદ ચાલી રહ્યો છે. એકબાજુ ઈમરાન ખાનના સમર્થક તેને પાકિસ્તાન માટે શરમજનક જણાવે છે. વળી, મરિયમ નવાઝના સમર્થક તેને યાદ અપાવી રહ્યા છે કે, કેવી રીતે પોતાની સત્તાના સમયે ઈમરાન ખાન પણ પારકી મહિલાઓ સાથે હાથ મિલાવે છે.
વળી, મરિયમ નવાઝને સોશિયલ મીડિયા પર ટ્રોલ થવાનું બીજું પણ એક કારણ છે. લોકોનું કહેવું છે કે, થોડા સમય પહેલાં જ્યારે તેને એક મામલે તપાસ એજન્સી એનબીએ સમક્ષ હાજર થવાનું હતું તો તેણે તપાસમાં સામેલ ન થવાનું અજીબ કારણ આપ્યું હતું. તે સમયે મરિયમ નવાઝે કહ્યું હતું કે, તે તપાસમાં સામેલ એટલે નહીં થાય કારણકે, પૂછપરછ કરનાર તમામ વ્યક્તિ પારકા પુરૂષ હશે અને તેથી તે અસહજ થશે.
મંગળવારે સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્ર પ્રમુખ શેખ મહોમ્મદ-બિન-ઝાયદ અને ઉપરાષ્ટ્ર પ્રમુખ શેખ મંસૂર બિન ઝાયદ પાકિસ્તાનની ખાનગી યાત્રા પર પહોંચ્યા હતાં. પાકિસ્તાનના રહીમ યાર ખાન વિસ્તારમાં બનેલા એરપોર્ટ પર ખુદ વડાપ્રધાન શહબાઝ શરીફ અને તેમની ભત્રીજી મરયમ નવાઝે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. સ્વાગત દરમિયાન પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝે યુએઈના રાષ્ટ્રપ્રમુખ શેખ મહોમ્મદ બિન ઝાયદે આગળ વધીને હાથ મિલાવ્યો. જાેવામાં આ ખૂબ જ સામાન્ય વાત લાગે છે, પરંતુ મરિયમનો યુએઈના રાષ્ટ્રપ્રમુખ સાથે હાથ મિલાવતો ફોટો જ્યારે વાઈરલ થયો ત્યારે પાકિસ્તાનમાં તેનો સખત વિરોધ થયો હતો.
મરિયમ નવાઝના કોઈ બિન મહેરમ એટલે પિતા-ભાઈ-દીકરો-પતિથી બહાર કોઈ અન્ય પુરૂષ સાથે હાથ મિલાવવું એ પાકિસ્તાનમાં ઇસ્લામિક કાયદા સાથે જોડાયેલો મુદ્દો બની ગયો છે. હકીકતમાં, ઇસ્લામમાં મહેરમની સામે પડદો ન રાખવાની આઝાદી છે. આ સિવાય મહિલા માટે અન્ય કોઈપણ પુરૂષ સામે પડદો કરવો જરૂરી છે. જોકે , ઇસ્લામમાં આ નિમય ફક્ત મહિલાઓ માટે નથી પરંતુ, પુરૂષો માટે પણ છે. પરંતુ, મોટાભાગના ઇસ્લામિક રાષ્ટ્રો પુરૂષ પ્રધાન વિચારો ધરાવતા હોવાના કારણે માત્ર મહિલાઓ પર જ કડકાઈ રાખે છે.
મરિયમ નવાઝના યુએઈના રાષ્ટ્રપ્રમુખને હાથ મિલાવવાને લઈને પાકિસ્તાનના પ્રખ્યાત યુટ્યુબર મંસૂર અલી ખાને કહ્યું કે, જો મરિયમ કોઈ ગેર મહેરમ સાથે હાથ મિલાવે અને તેને ખોટું કહેવામાં આવી રહ્યું છે. તો આ રીતે ઈમરાન ખાને પણ અલગ-અલગ દેશની પ્રતિનિધિઓ સાથે હાથ મિલાવ્યો તો તે પણ ખોટું છે.