Last Updated on by Sampurna Samachar
ચેમ્પિયન્સ ટ્રોફી અંતર્ગત હજુ લગભગ ૧૦ મેચમાં શુ થશે ?
વિદેશીઓને ટાર્ગેટ કરવાનો પ્લાન હોવાની માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન ICC ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની કરી રહ્યું છે જેને જોવા માટે મોટી સંખ્યામાં વિદેશી પાકિસ્તાન પહોંચ્યા છે પરંતુ આ વિદેશીઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાકિસ્તાનની ગુપ્ત એજન્સી પાકિસ્તાન ઇન્ટેલિજન્સ બ્યુરો (PIB) એ એલર્ટ જારી કર્યું છે કે ઈસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રાંત (ISKP) એ કથિત રીતે પાકિસ્તાનમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં ભાગ લેવા આવેલા વિદેશીઓને ટાર્ગેટ કરવાનો પ્લાન બનાવ્યો છે.
PIB એ જણાવ્યું કે આતંકી જૂથ કથિત રીતે ખંડણી માટે વિદેશીઓના અપહરણનું કાવતરું રચી રહ્યાં છે. ISKP ખાસ કરીને ચીની અને અરબ દેશોના નાગરિકોને નિશાન બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. આ સમાચાર સામે આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ જોવા ગયેલા વિદેશીઓની સુરક્ષાને લઈને ચિંતા પેદા થઈ ગઈ છે.
ગુપ્ત જાણકારી અનુસાર આતંકી જૂથ ISKP શહેરના તે બહારના વિસ્તારોમાં ભાડાનું ઘર લેવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે જ્યાં સીસીટીવી કેમેરા લાગેલા નથી અને જ્યાં માત્ર રિક્ષા અને મોટર સાઈકલથી જ જઈ શકાય છે.
તેમની રણનીતિઓમાં વિદેશીઓનું અપહરણ કરવું અને તે લોકોને રાતના સમયે ભાડાના ઘર સુધી લઈ જવાનું છે જેથી કોઈને તેની જાણકારી ન થાય. આતંકી બંદર, એરપોર્ટ, ઓફિસો અને હોટલોથી વિદેશી નાગરિકો, ખાસ કરીને ચીની અને અરબ લોકોને નિશાન બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે.
પાકિસ્તાન (PAKISTHAN) ની ચેતવણીની વચ્ચે અફઘાનિસ્તાનના જનરલ ડાયરેક્ટર ઓફ ઈન્ટેલિજન્સ (GDI) એ પણ ચેતવણી જારી કરી છે કે ISKP અફઘાનિસ્તાનમાં મુખ્ય સ્થળો પર હુમલો કરી શકે છે. અફઘાન એજન્સીએ જાહેર વિસ્તારોમાં સતર્કતા વધારવાનો આદેશ આપ્યો છે.
કહેવાય છે કે, આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના પ્રમુખ ૩ દિવસ પહેલા પાકિસ્તાનની યાત્રા કરી હતી. આ યાત્રા અંતર્ગત તેમણે બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ખુરાસન પ્રોવિંસના આતંકવાદીઓ સાથે મુલાકાત પણ કરી હતી. રસપ્રદ વાત એ છે કે, કુખ્યાત આતંકી સરગણા અબ્દુલ કાદિર પાકિસ્તાન આવી રહ્યો છે, આ બાબતે પાકિસ્તાની ફૌજ અને ગુપ્તચર એજન્સીઓને પણ સૂચના હતી, પણ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી.
પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી અંતર્ગત હજુ લગભગ ૧૦ મેચ થવાની છે. બાંગ્લાદેશ સહિત અન્ય દેશોની અનેક ટીમો પાકિસ્તાનના ઈસ્લામાબાદ અને કરાચીમાં છે. જે મેચ હજુ પેન્ડિંગ છે, તેમાંથી ત્રણ મેચ રાવલપિંડીમાં, ત્રણ મેચ લાહોરમાં અને બે મેચ કરાચીમાં થવાની છે.કહેવાય છે કે, તેમાંથી આઠ મેચ સીધી રીતે આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના ટાર્ગેટ પર છે. આ બાબતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ આવી છે. જેમાં આતંકી સંગઠનને બતાવ્યા છે અને અંગ્રેજીમાં લખ્યું છે કે, “ચેમ્પિયન્સ ટ્રોફી ઈસ્લામિક સ્ટેટના ટાર્ગેટ પર હોઈ શકે છે.” આ પોસ્ટમાં એક ખૂણા પર ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫નો એક નાનો ફોટો પણ ઈન્સર્ટ કર્યો છે.
એક આતંકવાદી સંગઠનથી સંબંધ ધરાવતી વેબસાઈટે પણ આ હુમલા બાબતે જાણકારી આપી છે. હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફી પર આતંકવાદીનો મંડરાઈ રહેલો ખતરો જોતા પાકિસ્તાન ફૌજે થનારી મેચ પહેલા સ્ટેડિયમની આજુબાજુની સુરક્ષાને ચુસ્ત કરી દીધી છે. આ અગાઉ વર્ષ ૨૦૦૯માં આતંકવાદી સંગઠન શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર આત્મઘાતી હુમલો કરી ચૂક્યું છે. હાલમાં આ ખતરાને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓએ અન્ય દેશો સાથે પણ શેર કરી રહી છે.
સુરક્ષા વિશ્લેષકોનું કહેવું છે કે નવું જોખમ પાકિસ્તાનના આતંકવાદને હાઈલાઈટ કરે છે તથા ગુપ્ત ચેતવણીઓને ઓછા આંકવાના તેમના ઈતિહાસને પણ દર્શાવે છે.
પાકિસ્તાનના ઈતિહાસમાં મોટા હુમલા થતાં રહે છે જેમાં માર્ચ ૨૦૨૪માં શાંગલામાં ચીની એન્જિનિયરો પર હુમલો અને ૨૦૦૯માં લાહોરમાં શ્રીલંકન ક્રિકેટ ટીમ પર હુમલો સામેલ છે. બંને ઘટનાઓએ સુરક્ષામાં ખામીઓને ઉજાગર કરી અને વિદેશી નાગરિકોની સુરક્ષા કરવાની પાકિસ્તાનની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા અને હવે ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને નવી ચેતવણીથી ગંભીર સવાલ ઊભા થઈ રહ્યાં છે કે શું પાકિસ્તાન મહેમાન ટીમો, અધિકારીઓ અને દર્શકોની સુરક્ષા કરી શકે છે.