Last Updated on by Sampurna Samachar
IED વિસ્ફોટ બાદ બળવાખોરોએ ગોળીબાર કરાયો
આ કાફલામાં ચીનનો કોઈ નાગરિક નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનમાં ચીનના પ્રોજેક્ટને નિશાનો બનાવીને ફરી એકવાર હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. પાકિસ્તાન (PAKISTHAN) માં ચીન દ્વારા સંચાલિક સૈંડક ખનન પ્રોજેક્ટ સાથે જોડાયેલા સામાનને લઈ જતા ૨૯ વાહનોના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે.
મળતા અહેવાલ મુજબ બલૂચ બળવાખોરો દ્વારા મંગોછરના કલાતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. બલૂચ બળવાખોરોએ IED નો ઉપયોગ કરી સૌથી પહેલાં ૨૦ વાહનોના કાફલાને નિશાન બનાવ્યો હતો. પાકિસ્તાની સુરક્ષા દળ આ કાફલાની સુરક્ષામાં લાગેલું હતું. IED વિસ્ફોટ બાદ બળવાખોરોએ ભારે ગોળીબાર પણ કર્યો હતો.
૮ સુરક્ષાકર્મીઓના ઘાયલ થયાની માહિતી
આ હુમલાની જાણ થતાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પાકિસ્તાની સુરક્ષાદળ પહોંચી ગયા હતાં. શરૂઆતમાં આ મામલે ૮ સુરક્ષાકર્મીઓના ઘાયલ થવાની માહિતી સામે આવી હતી. જોકે, બાદમાં કલાતના ડેપ્યુટી સિક્યોરિટીએ પુષ્ટિ કરી કે, આ કાફલામાં ચીનનો કોઈ નાગરિક નહોતો.
બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી માટો ખનિજ પદાર્થોનો ભંડાર છે. આરોપ છે કે, ચીનની કંપનીઓ ખનન કરી બલુચિસ્તાનમાં સંસાધનોનું શોષણ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ચીનની અનેક કંપની ૨૦૦૨ થી અહીં ખનિજોનું માઇનિંગ કરી રહી છે. ચીનની કંપની આ નફાનો અડધો ભાગ પોતે રાખે છે અને ૪૮ ટકા ભાગ પાકિસ્તાનને આપે છે. તેમાંથી ફક્ત ૨ ટકા ભાગ બલુચિસ્તાનને મળે છે.
જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં ચીનના નાગરિકો પર છેલ્લાં અનેક વર્ષોથી હુમલા કરવામાં આવે છે. ગત વર્ષે ૬ ઓક્ટોબરે બલૂચ લિબરેશન આર્મીના બળવાખોરોએ કરેલાં બોમ્બ વિસ્ફોટમાં બે ચાઈનીઝ નાગરિકોના મોત થયા હતાં. જેનાથી પાકિસ્તાનમાં ચીનના નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતા વધી હતી. ચીનની વધતી ચિંતાઓના જવાબમાં પાકિસ્તાન સરકારે પોતાના સિક્યોરિટી બજેટમાં વધારો કર્યો હતો. ગત વર્ષે ઓગસ્ટમાં પાકિસ્તાને પોતાના ૨.૧ ટ્રિલિયનના રક્ષા બજેટ હેઠળ ‘ઓપરેશન આઝમ-એ-ઇસ્તેખામ’ માટે ૬૦ અરબ રૂપિયાની ફાળવણી કરી હતી.