Last Updated on by Sampurna Samachar
આ ખેલાડીના ના રમવાથી પાકિસ્તાન ટીમ પર પડી શકે દબાણ
ફખર પાકિસ્તાનનો વિસ્ફોટક બેટ્સમેન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત સામેની હાઈવોલ્ટેજ મેચ પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર બેટ્સમેન ફખર ઝમાન ૨૩ ફેબ્રુઆરીએ દુબઈમાં ભારત સામે રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીની હાઈવોલ્ટેજ મેચમાંથી બહાર થઈ ગયો છે. આ મેચ માટે તે પાકિસ્તાન (PAKISTHAN) ટીમ સાથે દુબઈ પણ નહીં જશે.

ફખર ઝમાન ચેમ્પિયન ટ્રોફીની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ફીલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ઈનિંગની પહેલી ઓવરના બીજા બોલ પર તે ઘાયલ થયો હતો અને મેદાનની બહાર નીકળી ગયો હતો. તે ૧૩મી ઓવરમાં ફિલ્ડિંગ કરવા આવ્યો, પરંતુ બે ઓવર પછી મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. ત્યારબાદ જ્યારે પાકિસ્તાન બેટિંગ કરવા આવ્યું ત્યારે પણ તે ઓપનિંગ નહોતો કરી શક્યો અને સઈદ શકીલને બાબર આઝમ સાથે ઓપનિંગ કરવી પડી. ફખર પાકિસ્તાનનો વિસ્ફોટક બેટ્સમેન હતો અને હવે તે નહીં રમશે તો પાકિસ્તાનની ટીમ પર વધુ દબાવ આવશે.
જ્યારે ફખર આઉટ થયો ત્યારે પાકિસ્તાનની લય બગડી ગઈ અને ટીમ ૬૦ રનથી મેચ હારી ગઈ. ન્યુઝીલેન્ડ સામે કારમી હાર બાદ ટીમને હવે ફખર ઝમાનને લઈને મોટો ઝટકો લાગ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની આશા જીવંત રાખવા માટે પાકિસ્તાનને કોઈપણ કિંમતે ભારત સામે જીતવાની જરૂર છે પરંતુ હવે ફખર આ હાઈવોલ્ટેજ મેચમાંથી બહાર થઈ ગયો છે. એટલું જ નહીં તે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ શકે તેવી આશંકા સેવાઈ રહી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક સૂત્રએ જણાવ્યું કે, ફખર ઝમાન ટીમ સાથે દુબઈ જશે નહીં. ICC ટૂંક સમયમાં આગળની જાહેરાત કરશે. તેની ઈજા અંગે ICC સત્તાવાર જાહેરાત કરશે કે તે મેચમાંથી બહાર છે કે નહીં.
કરાચીમાં રમાયેલી ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં શાહીન શાહ આફ્રિદીએ પહેલી ઓવર ફેંકી હતી. પોતાની ઓવરના બીજા બોલ પર વિલ યંગે ગેપમાં શોટ રમ્યો. આના પર ફખર ઝમાન બાઉન્ડ્રી તરફ દોડ્યો અને બોલ રોક્યો પરંતુ આ દરમિયાન તેના સ્પાઈક્સ મેદાનમાં ફસાઈ ગયા. જેના કારણે તે બાઉન્ડ્રી લાઈનમાં બેસી ગયો. ઈજાને કારણે તે ઊભો પણ નહોતો થઈ શકતો અને પછી ફિઝિયો તેને ઉપાડીને ડ્રેસિંગ રૂમમાં લઈ ગયો. ફખર ઝમાનને સ્નાયુમાં મોચ આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.