Last Updated on by Sampurna Samachar
ભારત – પાકિસ્તાન વચ્ચે તણાવ હજુ નથી થયો ખતમ
ભારત પર બલૂચિસ્તાન મામલે દખલ અંદાજીનો આરોપ લગાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ હજુ પણ ખતમ નથી થયો. ભારતના ઓપરેશન સિંદૂરના કારણે પાકિસ્તાનને ઘણુ નુકસાન થયું છે. પાકિસ્તાનમાં ૧૦૦ થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા અને ૯ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. પાકિસ્તાને તેનો બદલો લેવાની કોશિશ પણ કરી પરંતુ તે સફળ થયુ નહીં. એ પછી ભારતે પાકિસ્તાની સૈન્ય ઠેકાણા પર હુમલો કરીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું, જેમાં ઘણા પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતા.

બંન્ને દેશો વચ્ચે યુદ્ધનો માહોલ પેદા થયો હતો, પરંતુ બાદમાં ભારત અને પાકિસ્તાની પરસ્પર સંમતિથી યુદ્ધવિરામ લાગુ કર્યો હતો. પાકિસ્તાની નેતાઓ આ સમગ્ર મુદ્દા પર નિવેદનો આપવામાં પાછળ નથી હટતા. હવે પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ ખોખલી વાત કરી છે. બિલાવલે આ અંગે ચેતવણી આપી છે.
સીઝફાયરનું ક્રેડિટ ટ્રમ્પને મળ્યું
ભુટ્ટોએ અમેરિકામાં મિડિલ ઈસ્ટ ઈન્સ્ટીટ્યૂટમાં વાત કરતાં કહ્યું, જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું, તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેને રોકી નહીં શકે. નોંધનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરનું ક્રેડિટ ટ્રમ્પને મળ્યુ હતું, જોકે, ભારતે સ્પષ્ટ કર્યું દીધુ હતું કે, બંન્ને દેશોની વચ્ચે સીઝફાયરમાં ટ્રમ્પ અથવા અન્ય કોઈ ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા રહી નથી.
બિલાવલે આ દરમિયાન ભારત પર બલૂચિસ્તાન મામલે દખલ અંદાજીનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં, બિલાવલે એવું પણ કહ્યું કે, ભારત તરફથી બલૂચિસ્તાન લિબરેશન આર્મી – બીએલએ અને તહરીક-એ તાલિબાન પાકિસ્તાન ટીટીપી જેવા સંગઠનોને પણ સપોર્ટ આપ્યો છે.
બિલાવલે ભારતમાં સિંધુ જળ કરારને રદ્દ કરવા પર વાત કરી હતી. બિલાવલે કહ્યું કે, ભારતે સિંધુ જળ સમજૌતા રદ્દ કરીને યોગ્ય નથી કર્યું. કોઈપણ દેશ હોય, નાનો હોય કે મોટો, પાણી માટે લડવામાં પાછળ નહીં હટે.
જાે ભારતે સિંધુ નદીનું પાણી રોક્યુ તો, તે બંને દેશો વચ્ચે યુદ્ધનું કારણ બની શકે છે. નોંધનીય છે કે, બિલાવલ આ વિશે પહેલા પણ આવી ધમકી આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે, કાં તો પાકિસ્તાનનું પાણી સિંધુ નદીમાં વહેશે, અથવા ભારતનું લોહી. હવે આ મામલે પૂર્વ પાકિસ્તાની વિદેશ મંત્રીએ ફરી એકવાર ભારતને ખોખલી ધમકી આપી છે.