Last Updated on by Sampurna Samachar
અચાનક પૈસા મળવાના બંધ થઈ ગયા
પાકિસ્તાની ક્રિકેટર્સને લાલચ ભારે પડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી સહિત અનેક ક્રિકેટરો કરોડો રૂપિયાની છેતરપિંડીનો શિકાર બન્યા છે. આ સમગ્ર મામલો પોન્ઝી સ્કીમ સાથે જોડાયેલો છે. આ મામલો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સંજ્ઞાનમાં આવી ચૂક્યો છે અને બોર્ડે આ મામલે તપાસ હાથ ધરી છે. આમ, પાકિસ્તાની ક્રિકેટર્સને લાલચ ભારે પડી છે.

ફખર ઝમાન, શાદાબ ખાન અને અન્ય સહિત લગભગ એક ડઝન વર્તમાન ખેલાડીઓએ એક પૂર્વ ટેસ્ટ કેપ્ટન સાથે મોટી રકમનું રોકાણ કર્યું હતું જે હવે દેશ છોડીને જતો રહ્યો છે. બાબર આઝમ, રિઝવાન અને શાહીન આફ્રિદીએ પૂર્વ ક્રિકેટરના કહેવા પર રોકાણ કર્યું હતું.
આ રકમ ૧૦૦ કરોડ પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી
શરૂઆતમાં પાકિસ્તાન સુપર લીગની કેટલીક ફ્રેન્ચાઈઝીને સ્પોન્સર કરનાર આ ઉદ્યોગપતિએ શરૂઆતના કેટલાક મહિનાઓ સુધી ખેલાડીઓને નફો ચૂકવ્યો હતો, પરંતુ હવે તેમને અચાનક પૈસા મળવાના બંધ થઈ ગયા છે.
જ્યારે પીડિત ખેલાડીઓએ તેનો સંપર્ક કર્યો ત્યારે ઉદ્યોગપતિએ કથિત રીતે દાવો કર્યો કે મને ખેલાડીઓના અને મારા પોતાના રોકાણ સહિત ભારે નુકસાન થયું છે અને હું પૈસા પરત કરવામાં અસમર્થ છું.
ત્યારબાદ તેણે ફોન કોલ અને મેસેજના જવાબ આપવાનું પણ બંધ કરી દીધું અને દેશ છોડીને રફુચક્કર થઈ ગયો. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ખેલાડીઓએ માત્ર પોતાના પૈસા જ નહીં પરંતુ તેમના સંબંધીઓ અને નજીકના સહયોગીઓના પૈસા પણ રોકાણ કર્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ રકમ ૧૦૦ કરોડ પાકિસ્તાની રૂપિયા સુધીની છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે મૂળભૂત રીતે એક પોન્ઝી સ્કીમ હતી જે નિષ્ફળ ગઈ. હવે આ ખેલાડીઓ પર લાખો રૂપિયા ગુમાવવાનું જોખમ છે. પોન્ઝી સ્કીમની વાત કરીએ તો આ એક ધોખાધડી વાળી રોકાણ યોજના હોય છે. તેમાં લોકોને વધુ ફાયદાની લાલચ આપવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે કોઈ બિઝનેસ નથી હોતો. આ યોજનામાં નવા ઈન્વેસ્ટરના પૈસા જૂના ઈન્વેસ્ટર્સને રિટર્ન આપવામાં આવે છે. જ્યારે નવા રોકાણકારો આવવાનું બંધ કરે છે, ત્યારે સ્કીમ ખતમ થઈ જાય છે, અને ઈન્વેસ્ટરના પૈસા ડૂબી જાય છે.