Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાની સંસદમાં મેજર શાહને શ્રદ્ધાંજલિ અપાઈ
હુમલામાં ૪૦ CRPF જવાનો શહીદ થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વર્ષ ૨૦૧૯માં બાલાકોટ હવાઈ હુમલા દરમિયાન ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પકડનાર પાકિસ્તાની અધિકારીનું અવસાન થયું છે. પાકિસ્તાની તાલિબાનના હુમલામાં મેજર મોઇઝ અબ્બાસ શાહનું મૃત્યુ દક્ષિણ વઝીરિસ્તાનના સરૌધામાં TTP (તહરીક-એ-તાલિબાન-પાકિસ્તાન) દ્વારા કરવામાં આવેલા હુમલામાં થયું હોવાના અહેવાલ છે.
મેજર શાહ વિંગ કમાન્ડર વર્ધમાનને પકડ્યા પછી ચર્ચામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સે એક નિવેદન બહાર પાડ્યું હતું કે, ‘૨૪ જૂન ૨૦૨૫ ના રોજ, સુરક્ષા દળોએ દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લાના સરૌધા વિસ્તારમાં એક ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં મેજર મોઇઝ અબ્બાસ શાહ અને લાન્સ નાયક જિબ્રાન માર્યા ગયા હતા. તેમજ પાકિસ્તાની સેનાએ ૧૧ TTP ના સભ્યોનું એન્કાઉન્ટર કર્યું હતું.‘ પાકિસ્તાની સંસદમાં પણ મેજર શાહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેઓ પાકિસ્તાનના ચકવાલના રહેવાસી હતા અને SSG એટલે કે સ્પેશિયલ સર્વિસ ગ્રુપનો ભાગ હતા.
હુમલામાં જૈશના ઘણા મોટા આતંકવાદીઓ માર્યા ગયા
૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ જ્યારે જમ્મુ અને કાશ્મીરના પુલવામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ CRPF ના કાફલાને નિશાન બનાવ્યો, ત્યારે આ હુમલામાં ૪૦ CRPF જવાનો શહીદ થયા. આના જવાબમાં, ભારતે ૨૬ ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી કેમ્પ પર હવાઈ હુમલો કર્યો. તેને ભારતમાં બાલાકોટ એરસ્ટ્રાઈક તરીકે ઓળખવામાં આવે છે. આ હુમલામાં જૈશના ઘણા મોટા આતંકવાદીઓ માર્યા ગયા.
બીજા દિવસે ૨૭ ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન વાયુસેનાએ બદલો લેવાનો પ્રયાસ કર્યો અને ભારતીય એર સ્પેસમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદન શ્રીનગરના ૫૧ સ્ક્વોડ્રનમાં તૈનાત હતા અને મિગ-૨૧ બાઇસન ઉડાડી રહ્યા હતા. તેમણે PAF – F – 16 ફાઇટર પ્લેનને નિશાન બનાવ્યું.
આ દરમિયાન, તેમના વિમાનને નિશાન બનાવવામાં આવ્યું અને તેઓ પાકિસ્તાની એર સ્પેસમાં પહોંચી ગયા. ત્યાં, તેમને પાકિસ્તાની સેના દ્વારા પકડી લેવામાં આવ્યા. જોકે, થોડા સમય પછી પાકિસ્તાને તેમને છોડી દીધા.