Last Updated on by Sampurna Samachar
આતંકીઓના જનાઝામાં પાકિસ્તાની સેનાના ઓફિસર સામેલ
ભારતને ધોળા દિવસે જવાબ મળશે , પાકિસ્તાની પ્રવક્તાએ કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાના જવાબમાં ભારતીય એરફોર્સની એર સ્ટ્રાઈકમાં પાકિસ્તાનમાં ઢગલાબંધ ઠેકાણા ઉડાવી દીધા છે અને કેટલાય આતંકીઓ મર્યા પણ છે. હવે આ આતંકીઓના જનાજામાં પાકિસ્તાની આર્મી ઓફિસર અને જવાનો મોટી સંખ્યામાં દેખાઈ રહ્યા છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, પાકિસ્તાની સેનાએ જ આતંકીઓને આશરો અને ટ્રેનિંગ આપવા માટે સામાન અને આર્થિક મદદ પણ કરી રહ્યું છે. એવી તસવીર સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે, પાકિસ્તાની સેનાના મોટા ઓફિસર આતંકીઓના જનાજામાં સામેલ થઈ રહ્યા છે.
પાકિસ્તાની મીડિયામાં પણ કહેવાયું છે કે, પાકિસ્તાની સેનાના કર્મી અને હાફિઝ સઈદના પ્રતિબંધિત જમાત ઉદ દાવાના સભ્ય લાહોરથી લગભગ ૪૦ કિમી દૂર મુરીદકેમાં આતંકવાદી જૂથના હેડક્વાર્ટર પર ભારતીય સૈન્ય હુમલામાં માર્યા ગયેલા ત્રણ લોકોના જનાજાની નમાઝમાં સામેલ થયા હતા. જમાત-ઉદ-દાવાની રાજકીય શાખા પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગના પ્રવક્તા તબીશ કય્યૂમે જણાવ્યું કે, કારી અબ્દુલ મલિક, ખાલિદ અને મુદસ્સિરના જનાજાની નમાઝ મુરીદકેમાં કડક સુરક્ષાની વચ્ચે પઢવામાં આવી.
જનાજાની નમાઝ બાદ દફનાવવા લઇ જવાયા
કય્યૂમે કહ્યું કે, જનાજાની નમાઝમાં સિવિલ નોકરશાહીના સભ્યો પણ હાજર હતા. ખુદ કય્યૂમ પણ જનાજાની નમાઝમાં સામેલ થયા. કય્યૂમે કહ્યું કે, પાકિસ્તાન પર હુમલો કરનારા ભારતને ધોળા દિવસે જવાબ મળશે. તેમણે કહ્યું કે, જ્યારે ભારતીય હુમલો થયો અને મસ્જિદ નષ્ટ થઈ, ત્યારે કારી અબ્દુલ મલિક, ખાલિદ અને મુદસ્સિર મસ્જિદની બાજુમાં આવેલી રૂમમાં સૂઈ રહ્યા હતા. માનવામાં આવે છે કે ત્રણેય જેયૂડીના સભ્યો હતા. તેણે કહ્યું કે, મલિક, ખાલિદ અને મુદસ્સિર મસ્જિદમાં નમાઝ પઢતા હતા અને તેની દેખરેખ રાખતા હતા. જનાજાની નમાઝ બાદ લાશને દફનાવવા માટે લઈ ગયા હતા.