Last Updated on by Sampurna Samachar
નોટિસ ટુ એરમેનને સત્તાવાર લંબાવવામાં આવી
આતંકી હુમલા બાદ ભારતે લાદ્યો હતો પ્રતિબંધ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનના વિમાનોની ભારત એર સ્પેસમાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવનારી નોટિસ ટુ એરમેન(NOTAM) ની મુદ્દત સત્તાવાર ધોરણે ૨૩ ઑગસ્ટ સુધી વધારવામાં આવી છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિમાનોની ભારતના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદ્યો હતો. તેમજ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર મારફત પાકિસ્તાન અને POK માં સ્થિત આતંકી ઠેકાણા પર આક્રમક હુમલા કર્યા હતા. ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી એર સ્પેસમાં પ્રતિબંધની સમય મર્યાદા લંબાવવાની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાની વિમાનોની ભારતીય એર સ્પેસમાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવનારી નોટિસ ટુ એરમેન(NOTAM) ને સત્તાવાર ધોરણે ૨૩ ઑગસ્ટ, ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે.
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને અસર કરશે
ભારત તરફથી આ કાર્યવાહી પાકિસ્તાન દ્વારા પોતાના હવાઈ ક્ષેત્રમાંથી ભારતીય ફ્લાઇટ પર પ્રતિબંધના પગલે હાથ ધરવામાં આવી છે. પાકિસ્તાન ઍરપોર્ટ ઑથોરિટીએ ગત સપ્તાહે જાહેરાત કરી હતી કે, પાકિસ્તાને ભારતીય એરલાઇન્સ દ્વારા સંચાલિત ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર ૨૩ ઑગસ્ટ સુધી બંધ રાખવા ર્નિણય લીધો છે.
આ પ્રતિબંધ ૨૪ ઑગસ્ટના રોજ સવારે ૫.૧૯ વાગ્યા (ભારતીય સમયાનુસાર) સુધી લાગુ રહેશે. બીજી તરફ ભારતીય વાયુ સેનાએ ૨૩-૨૫ જુલાઈના રોજ ભારત-પાકિસ્તાન બોર્ડર પર રાજસ્થાનમાં હવાઈ અભ્યાસ માટે નોટમ જાહેર કરી છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે ૨૦૧૯માં સર્જાયેલા તણાવ બાદથી ભારતે પોતાની એર સ્પેસ પાકિસ્તાની વિમાનો માટે બંધ કરી હતી. ત્યારથી ભારત સમયાંતરે NOTAM જાહેર કરી આ પ્રતિબંધ લંબાવતું રહ્યું છે. ભારતનો આ પ્રતિબંધ પાકિસ્તાન હવાઈ ક્ષેત્ર માટે લોજિસ્ટિક અને નાણાકીય પડકારો સર્જી રહ્યા છે. પ્રતિબંધ બાદ પાકિસ્તાની વિમાનોએ લાંબો વૈકલ્પિક રૂટ અપનાવવો પડ્યો છે. જેના લીધે તેના સંચાલન ખર્ચમાં વધારો થયો છે. ભારતનું આ પગલું ખાસ કરીને પાકિસ્તાનની ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને પ્રભાવિત કરે છે.