બીજી ઇનિંગમાં કેપ્ટન શાન મસૂદે ઐતિહાસિક સદી ફટકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેપટાઉનમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. પ્રથમ દાવમાં ૧૯૪ રનમાં ઓલઆઉટ થતાં પાકિસ્તાનની ટીમ ઘણી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાને ફોલોઓન કરવા પાકિસ્તાનને મજબૂર કરી દીધું હતું. ત્યારબાદ બીજી ઇનિંગમાં કેપ્ટન શાન મસૂદે ઐતિહાસિક સદી ફટકારી હતી. મેચના ત્રીજા દિવસે તેણે બાબર આઝમ સાથે ૨૦૫ રનની ઓપનિંગ ભાગીદારી કરી અને ટેસ્ટ ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. વાસ્તવમાં ૧૪૮ વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં ફોલોઓન બાદ આ સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી બની છે.
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો. આ પછી તેની ટીમે પ્રથમ દાવમાં ૬૧૫ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં પાકિસ્તાનની આખી ટીમ પ્રથમ દાવમાં ૧૯૪ રનમાં સમેટાઈ ગઈ હતી. હવે બીજી ઈનિંગમાં ફોલોઓન મળ્યા બાદ પાકિસ્તાન પર દબાણ વધી ગયું હતું.
ટીમનો નિયમિત ઓપનર સૈમ અયુબ પગની ઈજાના કારણે પહેલા જ મેચમાંથી બહાર થઈ ગયો હતો. પરંતુ શાન મસૂદે પોતાની છેલ્લી ભૂલને ભૂલીને બાબર આઝમ સાથે લડત આપી હતી. તેણે ૧૬૬ બોલમાં ૧૦૨ રનની અણનમ ઇનિંગ રમી અને શાને ૨૦૫ રનની ઓપનિંગ ભાગીદારી કરીને પોતાની ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી.
જાેકે, દિવસની રમત પૂરી થાય તે પહેલા બાબર આઝમ ૮૧ રન કરીને આઉટ થઈ ગયો હતો. પરંતુ બાદમાં નાઈટ વોચમેન ખુર્રમ શહઝાદે વિકેટ પડવા દીધી ન હતી. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં પાકિસ્તાનની ટીમે બીજા દાવમાં ૧ વિકેટના નુકસાન પર ૨૧૩ રન બનાવી લીધા છે અને તે હવે દક્ષિણ આફ્રિકા કરતા ૨૦૮ રન પાછળ છે.
શાન સાથે બાબર આઝમ પણ ફોર્મમાં પરત ફરતો જોવા મળ્યો હતો. તે છેલ્લા બે વર્ષથી રન માટે સંઘર્ષ કરી રહ્યો હતો. તે અડધી સદી અને સદી માટે ઝંખતો હતો. પરંતુ તે દક્ષિણ આફ્રિકામાં ફોર્મમાં પાછો ફર્યો હતો અને તેણે એક જ દિવસમાં ૨ અડધી સદી ફટકારી હતી. મેચના બીજા દિવસે પ્રથમ દાવ દરમિયાન બાબર ૩૧ રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. ત્યારબાદ ત્રીજા દિવસે તેણે ૫૦ રનનો આંકડો પાર કર્યો પરંતુ ૫૮ રન બનાવીને આઉટ થઈ ગયો. ફોલોઓન થયા બાદ જ્યારે તેને ફરીથી ઓપનિંગ કરવાની તક મળી ત્યારે તેણે ફરી એકવાર અડધી સદી ફટકારી અને ૮૧ રન બનાવીને આઉટ થઈ ગયો હતો.