Last Updated on by Sampurna Samachar
બોર્ડર બંધ કરતા ૭૦ થી વધુ પાકિસ્તાનીઓ ફસાયા હતા
પાકિસ્તાન પાસપોર્ટ ધારકોને જ પરત લીધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા શરુ થઈ ગયા છે. આતંકીઓની પ્રવાસીઓ પર ક્રૂરતા બાદ ભારતે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ આપતાં તેના અનેક નાગરિકો પાકિસ્તાન જતા રહ્યા છે. બીજી તરફ પાકિસ્તાને પોતાના જ નાગરિકો માટે અટારી-વાઘા સરહદ બંધ કરી દીધી હતી, જેના કારણે ૭૦ થી વધુ પાકિસ્તાની નાગરિકો અટારી સરહદ પર ફસાઈ ગયા હતા. જોકે હવે તેણે આ સરહદ ખોલી નાખી છે અને પોતાના નાગરિકોને પરત લેવાનું શરુ કરી દીધું છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્વીકાર કર્યો છે કે, ‘ બાળકો સહિત પાકિસ્તાની નાગરિકો ભારતના અટારી સરહદ પર ફસાયા હોવાનો મીડિયા દ્વારા રિપોર્ટ મળ્યો છે. જેમાં કહેવાયું છે કે, અટારી બોર્ડર પર કેટલાંક પાકિસ્તાની નાગરિકો ફસાઈ ગયેલા છે. જો ભારતીય અધિકારી સરહદ પાર કરવાની મંજૂરી આપશે તો અમે અમારા નાગરિકોનો સ્વીકાર કરવા માટે તૈયાર છીએ.’
BSF એ દરવાજા ખોલી દીધા
તેમણે કહ્યું કે, ‘પરત ફરવાની ઇચ્છા રાખનારા પાકિસ્તાની નાગરિકો માટે ભવિષ્યમાં પણ વાઘા સરહદ ખુલ્લી રહેશે. ખાસ વાત એ છે કે, પાકિસ્તાને માત્ર પાકિસ્તાન પાસપોર્ટ ધારકોને જ પરત લીધા છે. જે લોકો પાસે પાસપોર્ટ નથી, તેમને ત્યાં જ અટકાવી દેવાયા છે.
અટારી-વાઘા બોર્ડર પર પાકિસ્તાની નાગરિકોને પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી છે. BSF એ દરવાજા ખોલી દીધા છે. માન્ય પાકિસ્તાની પાસપોર્ટ ધરાવતાં લોકોને પાકિસ્તાનમાં પ્રવેશવાની મંજૂરી આપી છે. જોકે, NORI (ભારત પરત ફરવા માટે કોઈ વાંધો નહીં) વિઝા ધારકોને મંજૂરી આપવામાં આવી નથી, જેના કારણે ઘણા પરિવારોમાં નિરાશા ફેલાઈ છે.
ઉત્તર પ્રદેશના એક રહેવાસી કહે છે, ‘અમે ગઈકાલથી અહીં અટવાઈ ગયા છીએ. હું મારી બહેનને છોડવા આવ્યો છું, જેના લગ્ન લાહોરમાં થયા છે. NORI વિઝા ધારકોને હજુ પણ સરહદ પાર કરવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. બે દિવસ પહેલાં જ ૧૬ લોકોને મંજૂરી આપવામાં આવી હતી. હું બંને સરકારોને વિનંતી કરું છું કે NORI વિઝા ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવે.’