Last Updated on by Sampurna Samachar
તાલિબાને જમ્મુ-કાશ્મીરને ભારતનો હિસ્સો ગણાવ્યું
મુત્તાકીની ભારત મુલાકાત પછી નિવેદન બહાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાને ભારત-અફઘાનિસ્તાનના સંયુક્ત નિવેદનનો સખત વિરોધ વ્યક્ત કર્યો છે અને ઇસ્લામાબાદમાં તૈનાત અફઘાન રાજદૂતને બોલાવીને ઔપચારિક રીતે પોતાનો વાંધો નોંધાવ્યો છે. પાકિસ્તાને પોતાના નિવેદનમાં જમ્મુ અને કાશ્મીરને ભારતના ભાગ તરીકે વર્ણવવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, આ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોનું ઉલ્લંઘન કરે છે. અફઘાન વિદેશ મંત્રી મૌલવી આમીર ખાન મુત્તાકીની ભારત મુલાકાત પછી જાહેર કરાયેલા ભારત-અફઘાનિસ્તાન સંયુક્ત નિવેદન પછી પાકિસ્તાનની આ પ્રતિક્રિયા સામે આવી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સંયુક્ત નિવેદનમાં જમ્મુ અને કાશ્મીરને ભારતનો ભાગ જાહેર કરવું એ સંબંધિત સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો અને જમ્મુ અને કાશ્મીરની કાનૂની સ્થિતિની વિરુદ્ધ છે. તે ભારતના ગેરકાયદે કબજા હેઠળ જમ્મુ અને કાશ્મીરના લોકોના બલિદાન અને લાગણીઓ પ્રત્યે અસંવેદનશીલ છે.
આ પગલાને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી
પાકિસ્તાને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીના એ નિવેદનનું પણ ખંડન કર્યું જેમાં તેમણે કહ્યું હતું કે, આતંકવાદ પાકિસ્તાનની આંતરિક સમસ્યા છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે વારંવાર અફઘાનિસ્તાનને અફઘાન ધરતી પરથી પાકિસ્તાન વિરુદ્ધ કાવતરું ઘડતા આતંકવાદી જૂથો વિશે માહિતી પૂરી પાડી છે. અફઘાનિસ્તાનની વચગાળાની સરકાર આતંકવાદને નિયંત્રિત કરવાની જવાબદારીમાંથી પોતાને મુક્ત કરી શકે નહીં. પાકિસ્તાનમાં રહેતા અનધિકૃત અફઘાન નાગરિકો માટે તેમના દેશમાં પાછા ફરવાનો સમય આવી ગયો છે.
૧૦ ઓક્ટોબરે વિદેશ મંત્રી એસ. જયશંકર અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મૌલવી અમીર ખાન મુત્તાકી વચ્ચેની વાતચીત બાદ જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને આતંકવાદ વિરોધી સહયોગ પર ચર્ચા કરવામાં આવી હતી. ૨૨ એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે અફઘાનિસ્તાનની નિંદા અને ભારત સાથે એકતા બદલ ભારતે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. બંને દેશોએ સ્પષ્ટપણે તમામ પ્રકારના આતંકવાદની નિંદા કરી હતી અને પ્રાદેશિક સાર્વભૌમત્વ અને પરસ્પર વિશ્વાસના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. અફઘાનિસ્તાને ભારત વિરુદ્ધ કોઈપણ પ્રવૃત્તિઓ માટે તેના પ્રદેશનો ઉપયોગ ન થવા દેવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
સંયુક્ત નિવેદન મુજબ, ભારતે અફઘાનિસ્તાનમાં અનેક આરોગ્ય પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે. કાબુલમાં ઈન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાઇલ્ડ હેલ્થમાં થેલેસેમિયા સેન્ટર અને આધુનિક ડાયગ્નોસ્ટિક લેબ, બગરામી જિલ્લા અને કાબુલમાં ૩૦ બેડની હોસ્પિટલ, ઓન્કોલોજી અને ટ્રોમા સેન્ટર તેમજ પક્તિકા, ખોસ્ત અને પક્તિયા પ્રાંતોમાં પાંચ મેટરનિટી હેલ્થ ક્લિનિક્સ બનાવવામાં આવશે. ભારતે અત્યાર સુધીમાં ૭૫ અફઘાન નાગરિકોને કૃત્રિમ અંગો પૂરા પાડ્યા છે, આ પગલાને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી છે.