Last Updated on by Sampurna Samachar
વિદેશ મંત્રી જયશંકર ૨૭ સપ્ટેમ્બરે સત્રને સંબોધન કરશે
ભારત સાથે તણાવભર્યા સંબંધો વચ્ચે અમેરિકા જશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત સાથે વેપાર સંબંધો બગાડ્યા બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ આ મહિનાના અંતે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મહત્ત્વની બેઠક કરવાના છે. આ મુલાકાતમાં પાકિસ્તાનના આર્મી ચીફ અને ફિલ્ડ માર્શલ આસિમ મુનીર પણ સામેલ થશે. આ બેઠક ન્યૂયોર્કમાં યોજાવાની છે.
ન્યૂયોર્કમાં આ મહિનાના અંતે યોજાનારા યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના સેશનમાં ટ્રમ્પ અને શરીફ મુલાકાત કરશે. આ સેશનમાં પહેલાં જુલાઈમાં વક્તાઓની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સામેલ હતું. પરંતુ હવે વિદેશ મંત્રી એસ. જયશંકરને ભારતના પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. વૈશ્વિક મંચ પર પાકિસ્તાન અને અમેરિકાની આ બેઠક મહત્ત્વની ગણાશે.
ટ્રમ્પ સાથે એક મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરી શકે
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ આ વર્ષે યુએન જનરલ એસેમ્બલીના સેશનમાં ભાગ લેવા અમેરિકા પહોંચાડશે. સૂત્રો અનુસાર, ૨૫ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન શરીફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એક મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરી શકે છે. આ મુલાકાતમાં પાકિસ્તાનના આર્મી ચીફ અને ફિલ્ડ માર્શલ આસિમ મુનીર પણ સામેલ થશે. બંને નેતાઓ વચ્ચે બહાવલપુર હુમલો, પાકિસ્તાનમાં પૂર અને કતારમાં ઈઝરાયલના હુમલાની અસર જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.
આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએન જનરલ એસેમ્બલીના સેશનની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લેશે નહીં. તેમના સ્થાને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અમેરિકા જશે. યુએન જનરલ એસેમ્બલીનું ૮૦મું સત્ર ૯ સપ્ટેમ્બરથી શરૂ થયું છે અને ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર સુધી ચાલશે. બ્રાઝિલના નેતા પ્રથમ વક્તા તરીકે સંબોધન કરશે, ત્યારબાદ ૨૩ સપ્ટેમ્બરે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વૈશ્વિક નેતાઓને સંબોધન કરશે. ભારત વતી, વિદેશ મંત્રી જયશંકર ૨૭ સપ્ટેમ્બરે સત્રને સંબોધન કરશે.
અગાઉ, ૧૮ જૂન ૨૦૨૫ના રોજ વ્હાઇટ હાઉસ ખાતે પાકિસ્તાન આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. યુએસ ઇતિહાસમાં આ પહેલી વાર હતું જ્યારે કોઈ પાકિસ્તાની લશ્કરી અધિકારીને આ સ્તરે કોઈ નાગરિક પ્રતિનિધિ વિના આમંત્રણ આપવામાં આવ્યું હતું.