પંચમુખી હનુમાન મંદિર સમિતિ અને સામાજિક કાર્યકરોએ ૪૦૦ હિન્દુ મૃતકોની અસ્થિ સ્વીકાર કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનના કરાચીમાં જૂના ગોલીમાર સ્મશાનગૃહમાં ૪૦૦ હિન્દુ મૃતકોની રાખ વર્ષોથી વિસર્જનની રાહ જોઈ રહી હતી. ધાર્મિક માન્યતાઓ અનુસાર, હિન્દુ પરિવારો તેમના પ્રિયજનોની રાખને ગંગામાં વિસર્જન કરવા માંગતા હતા, પરંતુ વિઝાની મુશ્કેલીઓને કારણે તે શક્ય બન્યું ન હતું. ત્યારે આ રાખ આખરે પંજાબના અમૃતસરમાં વાઘા-અટારી બોર્ડર દ્વારા ભારત પહોંચી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં શ્રી પંચમુખી હનુમાન મંદિર સમિતિ અને સામાજિક કાર્યકરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
મહાકુંભ યોગ દરમિયાન ભારત સરકારે આ અસ્થીઓને ભારત લાવવા માટે વિઝા આપ્યા હતા. આ ધાર્મિક વિધિમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો અને વિધિવત રીતે અંતિમ વિદાય આપી હતી. આ પહેલીવાર નથી કે જ્યારે પાકિસ્તાનથી હિંદુઓની રાખ ભારતમાં મોકલવામાં આવી હોય, પરંતુ આ વખતે આંકડો સૌથી વધુ છે.
પાકિસ્તાનમાં રહેતા લોકો વર્ષોથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. જો ભારત સરકાર તરફથી પરવાનગી ન મળી હોત તો આ લોકોને સિંધુ નદીમાં ભસ્મ વિસર્જન કરવાની ફરજ પડી હોત, હિંદુ ધર્મમાં ગંગાને મોક્ષદાતા માનવામાં આવે છે, તેથી પાકિસ્તાની હિંદુઓની પ્રાથમિકતા હરિદ્વાર હતી.
પાકિસ્તાની હિંદુઓએ મહાકુંભ જેવા પવિત્ર સમયમાં અસ્થિ વિસર્જનની તક મળતાં ખુશી વ્યક્ત કરી હતી. પંચમુખી હનુમાન મંદિર સમિતિના પ્રમુખ રામ નાથ મિશ્રા મહારાજ ૪૦૦ અસ્થિઓ સાથે ભારત પહોંચ્યા હતા. અગાઉ ૨૦૧૧ માં ૧૩૫ અને ૨૦૧૬ માં ૧૬૦ અસ્થીઓ હરિદ્વાર મોકલવામાં આવી હતી, પરંતુ આ વખતે આ સંખ્યા ઘણી વધારે છે.
મિશ્ર મહારાજે મીડિયાને જણાવ્યું કે, રાખને પરંપરાગત માટીના વાસણોની જગ્યાએ સફેદ પ્લાસ્ટિકના બરણીમાં રાખવામાં આવી છે, જેથી તે યાત્રા દરમિયાન સુરક્ષિત રહી શકે. વાઘા બોર્ડર પર હિંદુ સંગઠનો અને પરિવારોએ આ અસ્થિઓનું સ્વાગત કર્યું હતું. ભારત પહોંચ્યા પછી, અસ્થિને સીધા હરિદ્વાર મોકલવામાં આવશે, જ્યાં આગામી બે અઠવાડિયા સુધી વિશેષ ધાર્મિક વિધિઓ કરવામાં આવશે.
શ્રીરામનાથ મિશ્ર મહારાજે કહ્યું કે આ ઉમદા કાર્યમાં સહકાર આપવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. મહાકુંભના સમાપન સુધી શ્રી રામનાથ મિશ્ર મહારાજ હરિદ્વારમાં રોકાશે અને મૃતકોની શાંતિ માટે પ્રાર્થના કરશે. તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ કર્યા પછી, આ રાખને અંતે ધાર્મિક રીતે ગંગામાં વિસર્જિત કરવામાં આવશે.