Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાનનું વલણ જોઈને આગળની કાર્યવાહી થશે , PM એ કહ્યું
ફક્ત આતંકવાદ અને POK પર જ વાત કરીશું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન સાથે યુદ્ધવિરામના ૫૧ કલાક બાદ વડાપ્રધાન મોદીએ રાત્રે ૮ વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે અમે તે આતંકવાદીઓને ખતમ કરી દીધા છે જેમણે આપણી માતાઓ અને બહેનોના સિંદૂર લૂછી નાખ્યા હતા.

PM એ જણાવ્યું કે અમારા ઓપરેશનમાં ૧૦૦ થી વધુ ખતરનાક આતંકવાદીઓ માર્યા ગયા છે. પાકિસ્તાનની વિનંતી પર, ભારતે સંઘર્ષ રોકવા માટે સંમતિ આપી છે. તેમણે કહ્યું કે ભારતે પાકિસ્તાન સામે ફક્ત લશ્કરી કાર્યવાહી મુલતવી રાખી છે. હવે અમે પાકિસ્તાનનું વલણ જોઈને આગળની કાર્યવાહી નક્કી કરીશું. અમે પાકિસ્તાન સાથે ફક્ત આતંકવાદ અને POK પર જ વાત કરીશું.
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનનુ નિવેદન
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે આક્રમક વલણ રાખીને ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો. જેમાં ૭ મી મેના રોજ પાકિસ્તાન અને તેના કબજાવાળા કાશ્મીરમાં લશ્કર એ તૈયબા, હિજબુલ મુજાહિદ્દીન અને જૈશ એ મોહમ્મદના ૯ આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું.
આ ઓપરેશનમાં ઓછામાં ઓછા ૧૦૦ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારબાદ ૧૦મી મેના રોજ ભારત અને પાકિસ્તાન શસ્ત્ર વિરામ પર સહમત થયા હતા. ૧૨ મે ના રોજ PM મોદીએ ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર દેશને સંબોધન કર્યું. આ સંબોધનમાં પાકિસ્તાનની વારંવાર ન્યૂક્લિયર ધમકીઓ ઉપર પણ તેમણે મોટું નિવેદન આપ્યું હતું.
ઓપરેશન સિંદૂર પર PM મોદીના ભાષણ પછી, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફનું એક નિવેદન પ્રકાશમાં આવ્યું છે. ખ્વાજા આસિફે કહ્યું કે ભારત સાથે ૩ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. આસિફે કહ્યું કે ભારત સાથે સિંધુ જળ સંધિ અને બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી પ્રવૃત્તિઓ પર વાતચીત થવી જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું કે કાશ્મીરના મુદ્દા પર પણ ચર્ચા થવી જોઈએ. આ સાથે તેમણે PM મોદી અંગે પણ એક મોટું નિવેદન આપ્યું છે.