Last Updated on by Sampurna Samachar
તમામ વિભાગો અને વહીવટી એકમોને હાઇ એલર્ટ
પાકિસ્તાનમાં ૯૦ થી વધુ આતંકીઓનો સફાયો થઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો છે. એવામાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મુખ્યમંત્રી મરિયમ નવાઝે કટોકટી જાહેર કરી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝે એક મોટો ર્નિણય લીધો છે. ભારતીય મિસાઇલ હુમલા બાદ પંજાબમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા સંબંધિત તમામ વિભાગો અને વહીવટી એકમોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ કરવાનો આદેશ
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પંજાબ પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. તમામ જિલ્લાઓના વહીવટી એકમોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત, બધા ડોકટરો અને તબીબી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને તેમને તાત્કાલિક ફરજ પર પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
રાહત અને બચાવ કાર્યમાં કોઈ કમી ન રહે તે માટે નાગરિક સંરક્ષણ સહિત તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને પણ બોલાવવામાં આવ્યા છે. હુમલા પછી તરત જ, પાકિસ્તાને તેનું હવાઈ ક્ષેત્ર સંપૂર્ણપણે બંધ કરી દીધા બાદ હવે આંશિક રીતે ખોલવામાં આવી રહ્યું છે.
જાહેર સલામતીને પ્રાથમિકતા આપતા, પંજાબ સરકારે તાત્કાલિક અસરથી તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, આજે યોજાનારી બધી પરીક્ષાઓ આગામી આદેશો સુધી મુલતવી રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈપણ અફવાઓને અવગણવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
પ્રાથમિક જાણકારી અનુસાર ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા પાકિસ્તાનમાં કરાયેલી એરસ્ટ્રાઇકમાં કુલ ૯૦થી વધુ આતંકીઓનો સફાયો થઈ ગયાની માહિતી મળી રહી છે. પાકિસ્તાનના મુરિદકેમાં ૩૦ આતંકીઓ માર્યા ગયા છે. જ્યારે અન્ય બીજા આતંકી કેમ્પમાં પણ ડઝનેક આતંકીઓનો સફાયો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે લગભગ ૯ જેટલા આતંકી ઠેકાણે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.